દેશમાં લગભગ 200 હેલિકોપ્ટર, સરકારી અને અર્ધ-સરકારી વિભાગોને છોડીને ખાનગી ક્ષેત્ર પાસે લગભગ 160 હેલિકોપ્ટર છે, તેમાંથી લગભગ 100નો ઉપયોગ વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં તેમના પ્રચારમાં કરી રહ્યા છે
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. મહત્વનું છે કે, ચૂંટણીની મોસમ દરેક માટે નફા-નુકસાનનો સોદો હોય છે. ખાસ કરીને હેલિકોપ્ટર સેવાઓ આપનારાઓ માટે આ નફાકારક સમય છે. દેશભરમાં લગભગ 200 હેલિકોપ્ટર છે. સરકારી અને અર્ધ-સરકારી વિભાગોને છોડીને ખાનગી ક્ષેત્ર પાસે લગભગ 160 હેલિકોપ્ટર છે. તેમાંથી લગભગ 100નો ઉપયોગ વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં તેમના પ્રચારમાં કરી રહ્યા છે. મોદી સરકારના તમામ મંત્રીઓ અને વિપક્ષનાં મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.
- Advertisement -
5 લાખ રૂપિયા પ્રતિ કલાક સુધી પહોંચે હેલિકોપ્ટરનું ભાડું
મહત્વનું છે કે, ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરનું ભાડું 5 લાખ રૂપિયા પ્રતિ કલાક સુધી પહોંચે છે. હેલિકોપ્ટરનું સામાન્ય ભાડું 1.5 થી 2.5 લાખ રૂપિયા પ્રતિ કલાક છે. ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર સેવાઓ પૂરી પાડતી કંપનીઓ અનુસાર આ લોકસભા ચૂંટણીમાં બુકિંગ વધી રહ્યું છે. સૌથી વધુ બુકિંગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ અને ખાનગી લોકો દ્વારા બુકિંગ પણ કરવામાં આવ્યું છે. તેમાંથી કેટલાક લોકસભાના ઉમેદવારો પણ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ હજુ સુધી તેમના તમામ ઉમેદવારો જાહેર કર્યા નથી અને તમામ ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનું એડવાન્સ બુકિંગ ભરાઈ ગયું છે.
ભારતીય ચૂંટણી પંચ પણ એલર્ટ
આ તરફ ભારતીય ચૂંટણી પંચ પણ લોકસભા ચૂંટણી દરમિયાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરના ઉપયોગને લઈને એલર્ટ પર છે. આ માટે ચૂંટણી પંચે તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંબંધિત વિભાગોને માર્ગદર્શિકા આપી છે, જેનો હેતુ ચૂંટણી દરમિયાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર દ્વારા નાણાંની આપ-લે સહિત અન્ય પ્રકારના દુરુપયોગને રોકવાનો છે. દેશના તમામ નાના-મોટા એરપોર્ટ અને હેલીપોર્ટ પર દરેક ટેક-ઓફ અને લેન્ડિંગ પર નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષા સાથે સમયનું સંતુલન એક મોટો મુદ્દો
આ સાથે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર પાઇલોટ્સ માટે રાજકારણીઓ અને સુરક્ષા સાથે સમયનું સંતુલન પણ એક મોટો મુદ્દો છે. હેરિટેજ એવિએશનના વડા રોહિત માથુરે એક ખાનગી મીડીયાને જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરની સૌથી વધુ માંગ છે, પરંતુ દેશમાં નોન-શિડ્યુલ્ડ ઓપરેટરો પાસે હેલિકોપ્ટરની મર્યાદિત સંખ્યા છે. આવી સ્થિતિમાં માંગ અને પુરવઠાને સંતુલિત કરવું એ એક મોટો પડકાર છે. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે, ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર બુક કરાવવામાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ મોખરે છે.
- Advertisement -
હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેન સેવાઓ પૂરી પાડતી કંપનીઓના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ હેલિકોપ્ટરમાંથી 95% ફેબ્રુઆરી-માર્ચમાં જ બુક થઈ ગયા છે અને ચાર્ટર પ્લેન સામાન્ય દરો કરતાં લગભગ 40%-50% વધુ બુક થઈ રહ્યા છે. હેલિકોપ્ટરની માંગ વધુ છે કારણ કે તેનો ઉપયોગ મુખ્યત્વે દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી માટે થાય છે. હાલમાં કંપનીઓ ઉપલબ્ધ હેલિકોપ્ટર માટે પ્રતિ કલાક 3 થી 4 લાખ રૂપિયા ભાડું વસૂલે છે. હેલિકોપ્ટર ઉપલબ્ધ હોવા છતાં અનુભવી પાયલોટ ન મળવાના કારણે રાજકીય પક્ષોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.