• અનિરુદ્ધ નકુમ

સુને ફરિયાદ સબ કી, ઊન્હે હૈ યાદ સબ કી; બડા યા કોઇ છોટા,
નહીં માયૂસ લોટા, અમીરોં કા સહારા, ગરીબો કા ગૂજારા…

કિરીટભાઈ ગણાત્રા. ઉષા પંખાની ટેગ લાઈનની જેમ નામ જ કાફી છે.રાજકોટને પ્રસિદ્ધ અને અમેરિકા સહિત વિશ્ર્વભરમાં વસતા ગુજરાતીઓ માટે રાજકોટ-સૌરાષ્ટ્રનું ‘લોક-પત્ર’ એવા સાંધ્ય દૈનિક ‘અકિલા’ના કર્ણધાર કિરીટભાઈ ખુદ હાલ ‘ન્યૂઝ’ બનીને ચમક્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કેટલાક મહાનુભાવોને ડી.લીટ (માનદ્ ડૉક્ટરેટ)ની પદવી આપી સ્તૂત્ય સન્માન કરવા નિર્ણય કર્યો તેમાં કિરીટભાઈ ગણાત્રા પણ શામેલ છે. અન્ય મહાનુભાવોમાં વિશ્ર્વ વિખ્યાત ભાગવતકાર રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈજી), ઇસરોના ચેરમેન ડો.કે.શિવનન અને ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલનો સમાવેશ પણ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ છેલ્લા 47 વર્ષમાં 12 જેટલા મહાનુભાવોને ડોક્ટરેટ ઓફ લિટરેચર (ડી.લીટ)ની પદવી એનાયત કરી જેમાં જયપ્રકાશ નારાયણ, કે.કા શાસ્ત્રી, સેમ પિત્રોડા, મનુભાઈ પંચોલી, પાંડુરંગ ‘દાદા’ આઠવલેજી, દત્તોપંત ઠેંગણી, હરિવલ્લભ ભાયાણી અને દીપચંદ ગાર્ડી વગેરે એવી હસ્તીઓ સન્માનિત થઈ ચૂકી જેના નામ આગળ ‘વિશેષણ’ લગાડવાની આવશ્યકતા નહોતી. આવી જ પરંપરા આ વખતે પણ પ્રસ્થાપિત થશે કિરીટભાઈ ગણાત્રા એ પરંપરાના અલાયદા અને ‘અકિલા’ના અકેલા યોદ્ધા છે. જન્મજાત પત્રકાર કિરીટભાઈ ગણાત્રાએ ખરા અર્થમાં ‘અકિલા’ને લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું (કે ઝઝૂમતું) લોક-પત્ર બનાવ્યું છે. ‘અકિલા’ના પાને ચમકી અનેકની કિસ્મત પણ ચમકી છે તો લાખ કોશિશ છતાં કૈંકની પોલ પણ ખુલી છે. સમાજના તમામ વર્ગને પોતાની વાત કહેવાનો અધિકાર છે એવું તથાકથિત બૌદ્ધિકો રટ્યા કરે છે. પરંતુ એવી તક તમામને તમામ વખતે સાંપડતી હોતી નથી. ‘અકિલા’ તેમાં અપવાદ છે. અભિવ્યક્તિની આઝાદીનો ‘અકિલા’ થકી થયેલા અહેસાસનું આખું સૌરાષ્ટ્ર અહેસાનમંદ છે અને આવી બ્રોડનેસનો મહત્તમ યશ અગર કોઇને આપવો ઘજ્ઞ. તો સ્વાભાવિક જ કિરીટભાઈ ગણાત્રાને, તેઓની કર્તવ્ય પરાયણત્વને, વિરાટ ઉદારતાને અને વ્યાપક દૂરંદેશીને આપવો પડે. રાજકોટમાં ‘અકિલા’નું કાર્યાલય એ કોઈ અખબારી ઓફિસ નથી. બે-જુબાનોનો અવાજ બૂલંદ બનાવતો આશરો છે. જ્યારે સ્થાનિક તમામ દિશાએથી અસલામતી ઘેરી વળે ત્યારે એકમાત્ર અને ક્વચિત નિર્ણાયક ઉમ્મીદ ક્યાંય ઠરે તો તે ‘અકિલા’ છે. આ સાંધ્ય દૈનિકે કૈંકના આંસુ લૂંછ્યાં છે અને મૂંછે તા’ દઈને લોકોને રંજાડનારાના ચોધાર આંસુ પડાવ્યા પણ છે. કિરીટભાઈ ગણાત્રા ‘અકિલા’ના એવા મોભી છે જેના ખભે માથું મૂકી કોઈપણ વ્યક્તિ તેમનું દુ:ખ હળવું કરી શકે. આવી હસ્તીને ડી.લિટની પદવી આપી એક રીતે તો સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ પદવીની ગરિમા ઔર વધારી દીધી છે. પત્રકારત્વના સમાન ક્ષેત્રે ખેડાણ કરી રહેલા તમામ કલમનવેશો માટે આથી મોટા ‘ખાસ-ખબર’ બીજા ક્યાં હોઈ શકે?