ચેપગ્રસ્ત અથવા સોજાવાળી ત્વચા પર પ્રક્રિયા કરવાથી જટિલતાનું જોખમ વધી શકે છે
જંગી બજારો અને જાહેરખબરોના આ યુગમાં સૌંદર્યને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સૌ કોઈને સુંદર દેખાવું છે અને એ માટે બધા જ ઉપાયો અપનાવવા તૈયાર છે. સમાંતરે, લોકોની સૌંદર્યઘેલછાને ધ્યાનમાં રાખી અનેક વ્યવસાયો, ફુ્લ્યાફાલ્યા છે. જેવા કે પ્લાસ્ટિક સર્જરી, હેર ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ વગેરે.
- Advertisement -
હેર ટ્રાન્સપ્લાન્ટ એક સર્જીકલ ટેક્નિક છે. આ કોસ્મેટિક સર્જરી અધિકારીક રુએ ડર્મટોલોજીસ્ટ અથવા પ્લાસ્ટિક/કોસ્મેટિક સર્જન કરે છે. હેર ટ્રાન્સપ્લાન્ટની મુખ્ય બે પદ્ધતિઓ છે. બંને પદ્ધતિઓમાં, લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરીને માથાની ત્વચાને ખોટી પાડી દેવામાં આવે છે અને પાછળના ભાગમાંથી તંદુરસ્ત વાળના ફોલિકલ્સ(વાળના મૂળ)કાઢી તેને વાળ વગરના વિસ્તારમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
બન્ને પદ્ધતિને જરા વિસ્તારથી સમજીએ તો…
ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન (ઋઞઝ): હેર ટ્રાન્સપ્લાન્ટની આ ટેકનિકમાં, માથાના પાછળનાં ભાગેથી વાળના મૂળ સહિતની ત્વચાની પરત લેવામાં આવે છે અને વાળ વિનાના ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, જ્યાંથી ત્વચા લીધી હોય ત્યાં ડાઘ રહી જાય છે. જો કે તે ડાઘ વાળ ઉગે પછી ઢંકાઈ જાય છે.
ફોલિક્યુલર યુનિટ એકસ્ટ્રેકશન(ઋઞઊ): આ ટેક્નિકમાં, વાળના ફોલિકલ્સને(મૂળને) એક પછી એક, મેન્યુઅલી કાઢીને ટાલ વાળા હિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ ટેકનિકનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી દુખાવો ઓછો થાય છે, રૂઝ ઝડપથી આવે છે અને ડાઘ પણ આછા રહે છે. ઉપરોક્ત બેમાંથી, વ્યક્તિ માટે ક્યાં પ્રકારની સારવાર યોગ્ય છે તે સંખ્યાબંધ પરિબળોને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ નક્કી કરે છે. અલબત્ત, અમુક સ્પેશ્યલ મેડીકલ કન્ડિશનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ હિતાવહ નથી.
કોણે હેરટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું જોઈએ?: અનકંટ્રોલ્ડ અથવા પાર્શિયલ કંટ્રોલ્ડ ડાયાબિટીસ, હાઈ બીપી, હાયપરટેન્શન અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિઓમાં હિલિંગ પ્રોસેસ પર અસર થાય છે અથવા તો બીજા જોખમ ઉભા થઇ શકે. હેર ટ્રાન્સપ્લાન્ટની વિચારણા કરતા પહેલા આ સ્થિતિઓને સારી રીતે સમજી લેવી ખૂબ જ જરૂરી છે.
- Advertisement -
રક્ત ગંઠાઈ જવાની વિકૃતિઓ: રક્તસ્રાવની વિકૃતિઓ ધરાવતી વ્યક્તિઓ અથવા જેઓ લોહીને પાતળું કરતી દવાઓની પરિસ્થિતીમાં, સર્જરી દરમ્યાન અને તે પછી પણ રક્તસ્રાવનું જોખમ અને રૂઝ આવવામાં પણ સમસ્યા ઉભી થઇ શકે છે. માથાની ત્વચામાં ચેપ અથવા ચર્મરોગની સ્થિતિ, જેમ કે ફોલિક્યુલાટીસ અથવા ફંગલ ઇન્ફેક્શન અથવા ત્વચાની અન્ય કોઈપણ બીમારીમાં, વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા ઉપરોક્ત સમસ્યાની સારવાર અને ઉકેલ ન આવે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. ચેપગ્રસ્ત અથવા સોજાવાળી ત્વચા પર પ્રક્રિયા કરવાથી જટિલતાઓનું જોખમ વધી શકે છે
અમુક સંજોગોમાં, થાઇરોઇડ, મેટાબોલિક સિન્ડ્રોમ, એચઆઇવી, ટીબી, સિફિલિસ, કુપોષણ અથવા વાઈટામિન્સ/ આયર્નની ઉણપ, ગર્ભવતી તેમજ પ્રસૂતા, કીમોથેરાપી અથવા રેડિયેશન ટ્રીટમેન્ટ ચાલુ હોય એવી વ્યક્તિ માટે હિતાવહ નથી. અલબત્ત, ઉપરોક્ત માહિતી સર્વસામાન્ય છે અને આ સંજોગોમાં પણ, સૌ પ્રથમ તો સંબંધિત સર્જનની સલાહ લેવી એ જ યોગ્ય છે.
ધ્યાન રાખવા જેવી બાબતો: હેર ટ્રાન્સપ્લાન્ટ સરેરાશ પંચાણું ટકા સફળ સારવાર છે, જો તે તેમના નિષ્ણાત પાસે કરાવવામાં આવે તો અને તો જ! સામાન્ય રીતે ટ્રીટમેન્ટ દરમ્યાન ઇન્ફેક્શન થવાનું જોખમ, ત્વચા કાળી પડી જવી, સ્કાલ્પમાં સોજો, ખંજવાળ, લોહી નીકળવું, વાળના મૂળ સરખા ઇમ્પ્લાન્ટ ન થવા અથવા તેમાં ઇન્ફેક્શન થવું, રક્તસ્ત્રાવ, ટ્રાન્સપ્લાન્ટ વાળા ભાગ પર ત્વચાની પરત ઉખડતી રહેવી વગેરે થતું રહે છે. પણ ચોક્કસ કેસમાં, ઉપરના લક્ષણો સામાન્ય છે કે ચિંતાજનક એ નિષ્ણાત જ નક્કી કરી શકે. એકને ફાવે એ બીજાને અનુકૂળ ન હોય તે બહુ સ્વીકાર્ય વાત છે. દરેક વ્યક્તિની ચોક્કસ શારીરિક પરિસ્થિતિ હોય છે. તેથી, હેર ટ્રાન્સપ્લાન્ટ કે અન્ય કોઈપણ કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં, વ્યક્તિનો મેડિકલ હિસ્ટ્રી, કોઈ ચોક્કસ દવાનું રિએક્શન આવતું હોય, એલર્જી હોય, તો એ માહિતી, વર્તમાન સ્વાસ્થ્ય પરિસ્થિતિ અને રોજેરોજ કોઈ દવા લેતાં હોવ તો તેની માહિતીની ચર્ચા ટ્રાન્સપ્લાન્ટ સર્જન સાથે કરવી ખૂબ જ જરૂરી છે. અલબત્ત, જરુરી મેડિકલ રિપોર્ટ્સ કર્યા બાદ જ સર્જરી હાથ ધરાતી હોય છે તેમ છતાં, ડોક્ટરથી એકપણ બાબત છુપાવવી જોઈએ નહીં. કારણ, તમને સામાન્ય લાગતી બાબતો જ ખતરારૂપ સાબિત થવાની સંભાવના નકારી ન શકાય. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ડર્મેટોલોજીસ્ટને પસંદ કરો કે પ્લાસ્ટિક સર્જનને, મહત્વનું એ છે કે તેમની સારી પ્રતિષ્ઠા સારી હોય, આ ફિલ્ડમાં બહોળો અનુભવ હોય, યોગ્ય સર્ટિફિકેટ્સ અને સફળ કેસોનો પોર્ટફોલિયો ધરાવતા હોવા જોઈએ.* તમારી ચોક્કસ જરૂરિયાતો વિશે ચર્ચા કરીને તેના માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ/વે ઓફ ટ્રીટમેન્ટ નક્કી થાય એ જરુરી છે.
જ્યાં ટ્રીટમેન્ટ લો ત્યાં અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણ ઉપલબ્ધ છે ને, એ ખાતરી કરવી રહી. વળી હેર ટ્રાન્સપ્લાન્ટ થોડી લાંબી પ્રક્રિયા હોવાથી, એ પણ ખાતરી કરવી કે પુરી પ્રક્રિયા જે-તે સર્જન જ કરશે.ઘણીવાર મોટા ડોકટરના નામે ચાલતી ક્લિનિકમાં આવી ટ્રીટમેન્ટ આસિસ્ટન્ટ સ્ટાફ કરતાં હોય છે. યાદ રહે કે સર્જરી દરમ્યાન ડોક્ટરની હાજરીનો આગ્રહ રાખવો હિતાવહ છે. બીજું, વાળને અહીંથી લઈને તહીં રોપી દેવા એટલું જ નહીં, પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ કુશળતા માંગી લેતી આર્ટિસ્ટિક સર્જરી છે કે જે થયાં બાદ કરાવનારનો ચહેરો એબનોર્મલ કે વિકૃત ન લાગવો જોઈએ. પેશન્ટની મુખમુદ્રા અને ઉંમર સાથે સુસંગત, કૃત્રિમ ન લાગતા સહજ લાગે એવું ગ્રાફટિંગ થાયએ ખાસ મહત્વનું છે. આ માટે સર્જરી પહેલાં એકથી વધુ વાર એક્સપર્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી લેવી. કોમ્પ્યુટરાઈઝડ પ્રિવ્યુ માટે આગ્રહ રાખવો. તમે પસંદ કરેલા એકસપર્ટનાં હેર ગ્રાફટિંગના રિવ્યુઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તો એ જોઈ લેવાં જરુરી છે.
ખર્ચ: આ સારવારનાં ખર્ચ વિશે વાત કરીએ તો તે, બે લાખથી લઈને આઠ લાખ સુધી પહોંચી શકે છે. માથાના 1/3 ભાગના હિસ્સાને કવર કરવામાં લગભગ ત્રણેક હજાર વાળ ઇમપ્લાન્ટ કરવા પડે અને એક વાળદીઠ ચાલીસથી સાંઈઠ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. એ હિસાબે કેટલા હિસ્સામાં પ્રત્યારોપણ કરવાનું છે અને કંઈ જગ્યાએ સારવાર કરાવો છો એ મુજબ ચાર્જ નક્કી થાય અને તે મુજબ, બે કે ત્રણ સેશનમાં ટ્રીટમેન્ટ થાય છે.
વ્યક્તિએ પોતાના સ્તરે લેવાની કાળજી
સર્જરી પહેલા
-સર્જરીનાંઓછામાં ઓછા બે થી ત્રણ અઠવાડિયા પહેલા દર્દીઓએ ધૂમ્રપાન/આલ્કોહોલ બંધ કરવા પડે
-રોજ નિયમીત કોઈ દવા લેતા હોવ તો એ તમામ દવા વિશે નિષ્ણાતને જાણ કરવી જ જોઈએ.
-સર્જરીની આગલી રાત્રે મસાલેદાર આહાર ન લેવો હિતાવહ છે.
-કોઈપણ પ્રકારના હેલ્થ ઇશ્યુઝ હોય તો, એક પણ બાબત છુપાવ્યા કે ભૂલ્યા વગર ડોક્ટરને જણાવો. ન પૂછે તો પણ!
-કોઈ ખાસ દવાની એલર્જી હોય તો ડોક્ટરને ચોક્કસ જણાવો. જેથી કરીને, જે દવાની એલર્જી હોય એ જ દવા સર્જરી પછીની મેડીકેશનનો હિસ્સો ન બને એ વિશે ડોકટર સજાગ રહે.
હેર ટ્રાન્સપ્લાન્ટ પછી સંભાળ
-હેર ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર નક્કી કરતું બીજું પરિબળ સર્જરી પછીની કાળજી છે. ઇન્ફેક્શન એ હેર ટ્રાન્સપ્લાન્ટ પછીની જોવા મળતી આડઅસરોમાંની એક અસર છે.
-ડોક્ટરે સૂચવ્યા મુજબ એન્ટિબાયોટિક્સ અને એન્ટી ઇંફ્લેમેટ્રીઝનો કોર્સ કાળજીપૂર્વક પૂરો કરવો
-ડોક્ટરે સૂચવ્યા મુજબનાં જ હેડ વોશનો ઉપયોગ કરવો.
-સખત વર્કઆઉટ્સ, સીધો સૂર્યપ્રકાશ અને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી સ્વિમિંગ ટાળો.
-જ્યાં સુધી ગ્રાફટીંગ સ્થિર ન થાય ત્યાં સુધી માથાની ચામડીને ખંજવાળવાનું ટાળો.
જોખમો: સામાન્ય રીતે યોગ્ય જગ્યાએ આ સારવાર લેવા જઈએ તો, આ લેખમાં જણાવેલી બધી જ માહિતીથી એક્સપર્ટ/ડોકટર સારવાર લેનારને માહિતગાર કરે જ છે. છતાં પણ આ લેખમાં બધી જ માહિતીઓ આલેખવાનો ઉદ્દેશ એટલો જ કે, આપણે અવારનવાર સમાચારોમાં વાંચીએ/સાંભળીએ છીએ કે અમુક વ્યક્તિને હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ કેવા કેવા વિપરીત પરિણામોનો સામનો કરવો પડ્યો. માથાની ત્વચામાં કાયમી ઇન્ફેક્શન, માથાની ત્વચા નરમ પડી જવાથી અલ્સરનો ખતરો, આખા શરીરે કાયમી ખંજવાળ, રક્તસ્ત્રાવ વગેરે ઉપરાંત પાછલા બે વર્ષમાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ દિલ્હીના એક યુવકનું, સર્જરી બાદ સેપીપ્સ (જીવલેણ ઇન્ફેક્શન) અને તેના કારણે મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાને કારણે તો; ગુડગાંવના એક યુવકનું એનાફિલેક્ટિક( ગંભીર એલર્જિક રિએક્શન)ના કારણે તેમજ અને મુંબઈના એક વેપારીનું મૃત્યુ નીપજ્યું એવા સમાચાર આવ્યા છે. આવું થવાનું કારણ? અલબત્ત, એવરેજ 85થી 95 ટકા સકસેસ રેટ વાળી, હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અતિ સંકુલ નથી પરંતુ સાધન સુવિધાથી સજ્જ સેટઅપ અને યોગ્ય ડોક્ટરની પસંદગી બે મુદ્દા ખૂબ મહત્વનાં છે. ઉપર કહ્યું તેમ આ સારવારમાં થતો જંગી ખર્ચ બચાવવા, સસ્તી સારવારના નામે કે પૂરતી માહિતીનાં અભાવે લોકો લેભાગુ સારવાર કેન્દ્ર કે તાલીમ વગરના અણઘડ લોકોના હાથમાં જઇ ચડે છે. ત્યાં હાઇજિન વિશે પૂરું ધ્યાન ન અપાતું હોય તો બકરું કાઢતાં ઊંટ પેસવાનો ઘાટ થઈ શકે. વળી તેમને પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ કેર વિશે માહિતગાર કરવામાં ન આવે કે દવાની ગંભીરતા સમજાવી લેવા/ ન લેવા વિશે કહેવામાં ન આવે તો નુકશાન સારવાર લેનારનું જ છે. ઘણીવાર કોઈને ચોક્કસ દવાની એલર્જી હોય તો એ અંગે પણ જાણકારી મેળવવાની પરવા રાખવામાં નથી આવતી. આ બધાને કારણે સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ત્વચાનાં ગંભીર રોગો કાયમ માટે ઘર કરી જાય છે અથવા તેનાથી વધુ ભયાનક પરિણામ આવી શકે. એટલે જ ડોક્ટરો વગરના કોઈપણ કેરસેન્ટર કે કોસ્મેટિક સેન્ટરમાં આ સારવાર ન લેવી. આ ટ્રીટમેન્ટ લીધાં પછી પણ, ટ્રાન્સપ્લાન્ટેડ હેર ગ્રોથ વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાતું નથી. સર્જરી પછી વાળની વૃદ્ધિ દરેક માટે સરખી હોતી નથી. દાતા વિસ્તારમાં તંદુરસ્ત વાળનું પ્રમાણ, ટાલ પડવાની માત્રા અને દર્દીનું સ્વાસ્થ્ય સર્જરીની સફળતાને પ્રભાવિત કરે છે. દાતા વિસ્તારમાં ઝીણા, છૂટાછવાયા અને નબળા વાળ ધરાવતાં લોકોમાં ઇમ્પ્લાન્ટડ્ વાળના નબળા કવરેજ સાથે તેનાં નબળા અસ્તિત્વમાં પરિણમી શકે છે. ઘણીવાર ટાલ પડવી વારસાગત હોય તો, એક જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને પછી નવી જગ્યાએ ટાલ પડવાની શરૂઆત થાય તો વારંવારની સર્જરી બુદ્ધિગમ્ય નથી. વળી, ટ્રાન્સપ્લાન્ટ કરેલાં વાળ ભવિષ્યમાં નહિ ખરે એવી કોઈ ગેરેન્ટી હોતી નથી. ઉંમરની સાથે સાથે માથાના બીજા વિસ્તાર કરતાં, ઓછી ઝડપે પરંતુ, આ વાળ પણ ખરી શકે છે. ભારતમાં હેર ટ્રાન્સપ્લાન્ટ 97% સફળતા દર ધરાવે છે. (એટલે કે કોઈ ખરાબ પરિણામ નથી આવતા)હેર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં 30% જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વાળ ખરવાની/ટાલિયાપણાની સમસ્યા પુરુષોમાં વધુ જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડવાની પેટર્ન અલગ હોય છે. પરિણામે બન્નેનાં હેર ટ્રાન્સપ્લાન્ટની સફળતા દરમાં તફાવત જોવા મળે છે. પુરુષોમાં સફળતાનો દર 95 થી 97% જેટલો છે, જ્યારે સ્ત્રીઓમાં તે 85 થી 95% ની વચ્ચે છે. લેખનાં અંતે ફરી કહીશ કે, એક કુશળ અને અનુભવી સર્જન પસંદ કરીને અને પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવાથી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાથે સંકળાયેલા જોખમોને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. અથવા તો સૌંદર્યનાં કહેવાતાં માપદંડોથી પ્રભાવિત ન થઈને, વગર વાળે પણ મોજમાં રહી શકાય છે.