પહેલાં પ્રોડકશન પછી પરમિશનની અભિનવ પહેલ MSMEમાં વ્યાપક રોજગાર અવસરો અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાઇ કમિશનરને માહિતગાર કર્યા.
યુગાન્ડાના પ્રતિનિધિમંડળને ગુજરાતની MSME ઇકોસિસ્ટમના નિરીક્ષણ-અભ્યાસ માટે મૂલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું. યુગાન્ડાના હાઇકમિશનરે ગુજરાત સામે MSME સેકટરમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.GraceAkelloએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈકમિશનરની ટીમને ગુજરાતના એમ.એસ.એમ.ઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
- Advertisement -
ખાસ કરીને ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ.એસ.એમ.ઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઈ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.
- Advertisement -
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, એમ.એસ.એમ.ઇ કમિશનર રંજીથકુમાર અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.