જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેત પેદાશોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા, કૃષિ અને બાગાયતો પાકોમાં આધુનિક તાંત્રિકતા સહિતના વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જુદા જુદા કૃષિ લક્ષી સ્ટોલ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા ખાતે રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવમાં સહભાગી થતા ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેને પણ અહીં મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું.
- Advertisement -
રવિ કૃષિ મહોત્સવમાં અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય સંજય કોરડીયાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને જાગૃત કરવાનું કામ થઈ રહ્યું છે. આ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, ખેતી ક્ષેત્રની નવીન ટેકનોલોજી સહિતની ખેતી ક્ષેત્રની જાણકારી મળી રહે છે. તેમણે કહ્યું કે, ખેડૂતોએ પણ પરિવર્તન સાથે તાલ મિલાવવા આવશ્યક છે. ખેડૂતોએ આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવવાની સાથે ખેતીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત ખેડૂતોએ પણ ખેતી ક્ષેત્રે સતત નવું શીખવાની ભાવના સાથે કૃષિમાં નવીન પાકોનું વાવેતર કરવું જોઈએ. તથા જન આરોગ્યના રક્ષણ અને જમીનની તંદુરસ્તી માટે આવશ્યક પ્રાકૃતિક ખેતી અપનાવવા, ખેતીને માત્ર પરંપરાગત રીતે નહીં પણ એક વ્યવસાયિક ધોરણે એક વેપારીની જેમ ખેતી કરવા ઉપરાંત નવા પ્રયોગો સાથે પરંપરાગત ખેત પાકોની જગ્યાએ નવીન પાકોના વાવેતર કરવા માટે આહવાન કર્યું હતું.



