ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં ખેડૂતોએ 200 વિઘાથી વધારે વિઘામાં લીલા મરચાનું વાવેતર કર્યું છે જોકે હાલમાં બજારભાવ 8 રૂપિયા કિલોગ્રામ જેટલા ગગડી જતાં ખેડૂતોને ખર્ચો માથે પડે એમ છે જેથી નાછુટકે મરચા બહાર ફેંકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે લીલા મરચાંના બજાર ભાવ 30 રૂપિયા પ્રતિકિલો મળતા હતા પરંતુ આ વર્ષે બજારભાવ ગગડી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક વીઘામાં આશરે 3 હજારથી વધુ મરચાના રોપાનું વાવેતર કરાય છે જેનો ખર્ચ વિઘામાં 6 હજાર અને મજુરી સહિત થાય છે જ્યારે વર્ષમાં એક વીઘાનો 30 હજાર ખર્ચ થાય છે જ્યારે સિઝનમાં લીલા મરચા આશરે એક વીઘામાં 200 મણની આસપાસ ઉતરે છે અને જેને સુકવીને લાલ મરચું કરવામાં આવે તો આશરે 40 કિલો જેવો વજન થઈ જાય છે જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે હળવદ શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરતા મયુરભાઈ જાદવે જણાવ્યું હતું કે, હાલમાં લીલા મરચાનો ભાવ 3 થી 7 રૂપિયા સુધી છે.
હળવદના ખેડૂતોને લીલા મરચાંએ રાતા પાણીએ રડાવ્યા
