ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સુશાસન દિવસના ઉપલક્ષમાં રાજયકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના શિર્ષ અધિકારીશ્રીઓ વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલી સામેલ થયા હતા. જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ આ અવસરે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના વિનિયોગ થકી જિલ્લાના છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવી એ ખરા અર્થમાં સુશાસન છે. છેવાડાનો એક પણ નાગરિક રાજ્ય સરકારની સેવાઓથી વંચિત ના રહી જાય અને તેને વિના વિઘ્ને સરકારી સેવાઓનો લાભ મળે તેવી કાર્યપદ્ધતિ સુશાસનના માપદંડોને અનુસરીને રાજ્ય સરકારે વિકસિત કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન-2023ની ઉજવણી અંતર્ગત જિલ્લા, તાલુકાની કચેરી, કાર્યસ્થળને સ્વચ્છ સુંદર બનાવવા માટે પડતર નિકાલની ઝૂંબેશ, રેકર્ડનુ વર્ગીકરણ, ફાઇલોનું ડિજિટલાઈઝેશન અને ડિસ્પોઝલ, કચેરીના બિનવપરાશી સામાનને દૂર કરી સ્વચ્છ સુંદર બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે કલેક્ટર કચેરી, સમાજ કલ્યાણ શાખા, મહેકમ શાખા, સ્વચ્છ ભારત મિશન શાખા ડીઆરડીએ અને વેરાવળ પ્રાંત કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા ની ઉમદા કામગીરી કરનાર આવી કચેરીઓને “સુશાસન દિવસ” ઉજવણી અંતર્ગત સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
વેરાવળ ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઈ
