ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ, તાલાળા, ઉના અને કોડીનાર એમ ચાર વિધાનસભા મતવિસ્તાર માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જેમાં 18 વર્ષથી લઈ 100 વર્ષના મતદારોએ લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા મતદાન કરી પોતાનો જુસ્સો બતાવ્યો હતો. લાટીના વયોવૃદ્ધ શતાયુ મતદાતા બારડ સીદાભાઈ લખમણભાઈએ મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બારડ સીદાભાઈ લખમણભાઈ જીવનની પીચ પર ઉંમરની સદી ફટકારી ચૂક્યા છે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનથી પોતાની ફરજ નિભાવી હતી. આ સમયે હાજર રહેલ પોલિસ સ્ટાફ તથા સહાયક સ્ટાફે પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી શતાયુ મતદાર સીદાભાઈને મતદાન કરાવવામાં મદદ કરી હતી. જ્યારે વેરાવળ તાલુકાના આદ્રી ગામના 18 વર્ષીય સોલંકી શિતલબહેન અમરાભાઈએ પ્રથમ વખત જ મતદાન કરી રોમાંચ અનુભવતાં જણાવ્યું હતું કે જ્યારે હું મારા દાદી સાથે આવતી ત્યારે મને પણ આવી જ રીતે મતદાન કરવાનું મન થતું હતું પરંતુ બંધારણ અનુસાર મતદાન કરવાની ઉંમર 18 વર્ષ છે. તેથી તક મળતી નહોતી. પરંતુ હવે ભારતીય ચૂંટણી પંચનો આભાર માનું છું કે 18 વર્ષ પૂર્ણ થતાં જ ઘરે બેઠાં જ સ્માર્ટકાર્ડ મળી ગયું અને ચૂંટણીકાર્ડ લઈ પ્રથમ વખત મતદાન કરવા મળ્યું. આ સાથે જ તેમણે મતદાન કરવું એ દરેકનો અધિકાર જણાવી લોકશાહીના સિદ્ધાંત અને મૂલ્યને નિભાવતા દરેક મતદાતાને મતદાનની ફરજ નિભાવવાની અપીલ પણ કરી હતી. લોકશાહીના આ રૂડાં અવસરે પોતાની સહભાગીદારી નોંધાવવા બદલ બન્ને મતદારોને નોડલ ઓફિસર જે.જે.કનોજીયાએ લોકશાહીનો આ અવસર સાર્થક બનાવવા બદલ ભારતના ચૂંટણીપંચવતી આભાર વ્યક્ત કરતું પ્રમાણપત્ર આપી બીરદાવ્યા હતાં.