ગંગા અષ્ટકમ સ્તોત્રના પઠન સાથે ક્ધયાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યો
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય સહિતના મહાનુભાવો જોડાયા: ભક્તોએ જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. ક્ધયાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો. ગંગામાતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગાઅષ્ટકમ સ્તોત્રના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન કરાયેલ. સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો.
ત્યાર બાદ સાયં મહાઆરતી યોજાઇ હતી જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યુ હતુ. ટ્રસ્ટ પરીવાર, સ્થાનીક તીર્થ પૂરોહિતશ્રીઓ સહીત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માઁતાની સુંદર આરતી ઉતારવામાં આવેલી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન વી ઉપાધ્યાય, અધિક કલેકટર રાજેશ આલ, સહિતના મહાનુભવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગંગાજલથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનીક તીર્થપુરોહિતઓના પરીવારો, ભક્તો આ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું.



