ગુજરાતના પ્રથમ પંક્તિનાં ગાયક કીર્તિદાન ગઢવી સાથે ‘ખાસ-ખબર’ની વિશિષ્ટ મુલાકાત (ભાગ-2)
– હેમાદ્રી આચાર્ય દવે
કીર્તિદાન સૂર છેડે છે ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે
કીર્તિદાન ગઢવીનાં જીવનમાં પણ આવ્યા હતાં અનેક આરોહ-અવરોહ
‘લાડકી’ ગાયું ત્યારે એક અનેરા અભિયાનના બીજ વવાઈ ગયા હતાં
- Advertisement -
કીર્તિદાન ગાય છે અને દુનિયા ઝૂમી ઉઠે છે. પુરા વિશ્વને સૌથી વધુ વખત ગરબા રમાંડવાનો તેમનો વર્લ્ડ રેકોર્ડ છે. છેલ્લા સત્તર વર્ષથી બેસ્ટ નવરાત્રી શો કરવા બદલ તેણે ‘ગિનીસ બુક”માં સ્થાન મેળવ્યુ છે. અત્યારે તેમની કારકિર્દીનો સુર્ય ધોમધખતાં મધ્યાહ્ન પર છે ત્યાં જ તેઓ પંદર હજારથી વધુ લાઇવ શો અને મ્યુઝિકલ કોન્સર્ટ કરનાર, લોકસંગીત તેમજ શાસ્ત્રીય તેમજ સૂફી ગાયકીના ગુજરાતના એકમાત્ર ગાયક બની રહ્યા છે એ કીર્તિદાનને, ભારતના લોકસંગીત અંગેની એમની પસંદ અને વિચાર વિશે પ્રશ્ર્ન પૂછતાં જ ઉત્સાહમાં આવી જઈને કહે છે કે,
લોકસંગીત વિશે કીર્તિદાન…
ભારતની વાત કરીએ તો, રાજસ્થાન, પંજાબ મહારાષ્ટ્ર, બંગાળનું લોકસંગીત ખૂબ જ સમૃદ્ધ, જાણીતું છે. મેં દરેક લોકોસંગીતનો ખુબ નજીકથી અભ્યાસ કર્યો છે. ગુજરાતી લોકસંગીતની વૈવિધ્યસભર પરંપરા કે જેમાં, કચ્છ,સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના સંગીતની નોખી નોખી સુગંધ મને ખૂબ આકર્ષે છે. કોન્વેન્ટ કલ્ચરના જમાનામાં માતૃભાષાથી વિમુખ થઈ રહેલી આજની પેઢીના સંદર્ભે લોકસંગીતના ભવિષ્ય વિશે તેઓ તદ્દન નિશ્ચિન્તપણે કહે છે કે, હું સો ટકા માનું છું કે લોકસંગીતનુ ભવિષ્ય મજબૂત જ રહેવાનું છે. છેલ્લા દસ વર્ષમાં મારા કાર્યક્રમમાં એંશી ટકા ઓડિયન્સ ત્રીસ વર્ષ નીચેનું હોય છે. લોકસંગીત ફક્ત આધેડવયના કે બુઝુર્ગ જ પસંદ કરતાં હોય એવી માન્યતા અને પરંપરા મેં તોડી નાખી છે. હું યુવાવર્ગને ખેંચી લાવવા માટે સૂફી ગાઉ, ગઝલ ગાઉ અનેએની સાથે બે ભજન પણ ઉમેરુ જેથી યુવાપેઢી ભજન અને લોકસંગીત પણ સાંભળતી થઈ છે.
- Advertisement -
યુવાવર્ગને અપીલ કરે એ રીતે, મે ગીતમાં-ગરબામાં ખૂબ જ નવા પ્રયોગ, વેરીએશન કર્યા છે. ગરબામાં હિન્દી ટચ, એ મેં અગાઉ કહ્યું તેમ, યુવાપેઢીને ખેંચવા માટેનો પ્રયાસ છે. સ્યૂગર કોટેડ ટેબ્લેટ જેમ હું, ભજન-ગરબા પીરસુ છું જેનાથી ગરબાની ગરિમાને નુકશાન થાય છે, એવી ફરિયાદ કે વિરોધ વ્યક્તિગત માન્યતા હોઈ શકે, કારણ એના થકી તો એના થકી, યુવાપેઢી ભજન અને ગરબા સાંભળે તો છે આ બાબતને હું સિદ્ધિ ગણું છું. ત્યા હાજર માયાભાઈ આ જ વાતને આગળ ધપાવતાં કહે છે ડાયરામાં આ અગાઉ દીકરી તો બહું ઓછી આવતી પણ દીકરીના ગીત પછી તો ખાસ કરીને બાપ જ આગ્રહ કરે કે બેટા, લાડકી’ સાંભળવા જઈ આવો, એવા દાખલા છે!
હિન્દી ઇન્ડસ્ટ્રીમાં રાજસ્થાની કે પંજાબી ફોક સંગીત ચાલે છે આપણું નથી ચાલતું એવી અમારી ફરીયાદ વિશે તેઓ કહે છે કે, એવું થવાનું એકમાત્ર કારણ ભાષા છે. ઉપરોક્ત બન્ને ભાષા હિન્દીની નજીકની ભાષા છે. જેની સાથે ભારતના કોઇપણ પ્રાંતનો દર્શક કે શ્રોતા આસાનીથી કનેક્ટ કરી શકે છે, બાકી ગુજરાતી લોકસંગીત નબળું છે એવું હું જરાય માનતો નથી. કારણ ભાષાના બંધનોને અવગણીને, પાકિસ્તાન બાંગ્લાદેશ વગરે બધા દેશમાં મારા ચાહકો, ઓડિયન્સ છે. અલબત્ત, સંગીતને લઇને મારુ એકમાત્ર ધ્યેય ગુજરાતી લોકસંગીતને માન્યતા અપાવવાની છે અને ‘લાડકી’ એનો જ એક પ્રયાસ છે.
એક ગીત, જે બની ગયુ સંવેદનાસભર તૃપ્તિનું કારણ. એક ગીત જે બની ગયું માનવતાસભર અભિયાનની ચેતના…
સચિન જિગરના સંગીતમાં એમટીવી કોક સ્ટુડિયો’ માટે રેખા ભારદ્વાજ તથા બેબી તનિષ્કા સાથે સરે ગાયેલ ગીત, લાડકી’ યુટ્યુબ પર એકસો પાંચમિલિયન જેટલા વ્યૂઝ મેળવીને, એ સમયે એમટીવી કોક સ્ટુડિયોના ઇતિહાસમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ જોવાયેલા ગીતોમાંનું એક બન્યું.આ ગીત વિશે મેં સરને પૂછ્યું તો સરે આ ગીત વિશે ઘણી બધી સરસ વાતો કરી. આ ગીત કેવી રીતે બન્યું એની રસપ્રદ વાત પણ સરે કરી, પણ એ વાત પછી ક્યારેક….અત્યારે તો આ ગીતને લઇને સરના અનુભવો વિશે સરે જે કહ્યું …
ઓસ્ટ્રેલિયાના શો દરમ્યાન, પર્થમાં રહેતી એક વ્યક્તિનો મારા નેશનલ પ્રમોટર રાજ પર મેઈલ આવે કે કીર્તિદાન પર્થ આવે તો મારે ત્યાં લઈ આવજો .રાજે કારણ પૂછ્યું. એ વ્યક્તિએ જણાવ્યું કે, મારી આઠ મહિનાની છોકરી અઠવાડિયા પહેલાં ગુજરી ગઈ છે જે સુતા પહેલા રોજ ‘લાડકી’ સાંભળતી. તો ઇચ્છા છે કે કીર્તિદાન ભાઈ તેના ફોટા પાસે દીપ પ્રગટાવે અને લાડકી ગીત ગાય તો દીકરીના આત્મનાએ મુક્તિ મળી જાય. આ સાંભળી અમે તરત એમના ઘરે ગયા. ફોટો પાસે દીપ પ્રગટાવી ’લાડકી’ ગાયું.. આખા પરિવારને આ ગીત મોઢે હતું. બધાએ સાથે ગાયું. બધા ખૂબ રડી પડયા. લાગણીવશ… ભાવસભર વાતાવરણ સર્જાઈ ગયું .મારા ગીત થકી એમની દીકરીને મુક્તિ મળશે એવી તેમની માન્યતા અને એ નિમિતે હું એમને સંતોષની લાગણી આપી શક્યો એની ધન્યતા સનુભવતા મેં બહાર નીકળીને ત્યાંથી જ સચિન,-જિગરને ફોન કર્યો કે લાડકી માટે દુનિયાનો આનાથી મોટો કોઈ એવોર્ડ હોય જ ન શકે!
2016માં લાડકી ગાયું ત્યારે જ, મારી જાણ બહાર એક અનેરા અભિયાનના બીજ વવાઈ ગયા હશે. એ વાત હમણાં 2021માં સાકાર થઈ. શિકાગોમાં 2021માં એક સ્ટેજ પ્રોગ્રામમાં લાડકી ગીતમાં બાર-પંદર નાનકડી દીકરીઓ પરફોર્મન્સ કરતી હતી અને સામે ત્રણ-ચાર હજાર દીકરીઓ રોતી હતી! કોવિડમાં બાપને ગુમાવી ચુકી હોય કે એક એવો ય વર્ગ હતો કે જે દીકરીઓ ત્યાં સ્ટ્રગલ કરતી હોય અને પરત આવવાની ઘણી ઈચ્છા છતાંગવર્નમેન્ટની પોલિસીને કારણે ભારત પાછી નહોતી આવી શકી….ઘણાં બધા કારણો હતા.
દીકરીઓને રડતી જોઈને મને અચાનક જ વિચાર આવ્યો કે આ ગીતમાં, સ્ટેજ પર દીકરીઓ રમે અને સામે થોડી દીકરીઓ સાંભળે એટલા માત્રથી મારુ કર્તવ્ય પૂરું થઈ જતું નથી પણ મારે દીકરીઓને સમાજમાં સ્થાન તેમજ ગૌરવ અપાવવા માટે ખરેખર કંઈક અસરકારક કરવું જોઈએ. સાથોસાથ ભારતની ઉન્નત, તંદુરસ્ત ભાવિ પેઢી વિચાર કરું તો મને લાગ્યું કે, ભવિષ્યની પેઢી તો જ મજબૂત બને જ્યારે એને જન્મ આપી ઉછેરનારી માતા મજબૂત હોય. અમે ગુજરાતના ભવિષ્ય માટે, એવું કઈક કરવા માંગતા હતા જે દૂરગામી અને કાયમી હોય. એટલે, જે દીકરીઓને પૈસાના અભાવે પોષણ, શિક્ષણ અને દવા નથી મળતી એ બધું મળી રહે એ હેતુએ લાડકી ફાઉન્ડેશનની રચના કરી જેના અંતર્ગત નવ-દસ કરોડ મળી ચૂક્યાં છે અને જેને હું સો ક્રરોડ સુધી લઇ જવા માંગુ છું. ટૂંક સમયમાં, આ ફાઉન્ડેશન નું ગુજરાતમાં લોન્ચિંગ રજીસ્ટ્રેશન થશે અને આ ફાઉન્ડેશનની વહીવટી ફક્ત દીકરીઓ જ કરશે. કારણ તેઓ જ તેમની સમસ્યા સારી રીતે સમજી શકે.
ભવિષ્ય પાસેથી અપેક્ષા, મહત્વકાંક્ષા વિશે વાત કરતા સર ચહેરા પર સંતોષના સ્મિત સાથે સર કહે છે કે, આટલાં ટૂંકા સમયમાં ખૂબ ખૂબ લોકચાહના કમાયો, સંપન્નતા મળી. એ ઉપરાંત હું એ જાદુ કરી શક્યો છું કે મારે નામે આખી શહેરી યંગ જનરેશનને હું લોકસંગીતના ઓટલા સુધી લઈ આવ્યો છું, જેને સંસ્કૃતિની સેવા ગણું છું વળી,મને એ વાતનો સંતોષ છે કે, લોકોને મન, કીર્તિદાનનો ઓપ્શન કીર્તિદાન જ હોય એવું હું પ્રસ્થાપિત કરી શક્યો છું. તાજા અનુભવની વાત કરું તો, 2021માં, બે વરસના લોકડાઉન પછી અમેરિકામાં શો કર્યા. આયોજકોને ડર હતો કે કોવિડ તેમજ આર્થિક મારના કારણે લોકો પ્રોગ્રામમાં આવશે કે કેમ! મેં ભરોસો આપ્યો કે લોકો આવશે જ.. અમેરિકા માટે કહેવાય છે કે ત્યાં સગો બાપ ગુજરી જાય તો ય અંતિમવિધી શનિ -રવીમાં જ.. એટલે કે આવી કોન્સર્ટ કરવી હોય તો શનિ–રવિમાં હોય તો જ સફળ થાય. એના બદલે મેં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર એમ વિકડેઝમાં તોતેર દિવસમાં છત્રીસ શો કર્યા અને બધાજ શો હાઉસફુલ.. ચિક્કાર ગયા, એ ઐતિહાસિક ઘટના બની! મને પરમ પર પુરી શ્રદ્ધા છે. એ જે કરશે કે કરાવશે, મને સ્વીકાર્ય હશે. ઈશ્વર સતત મારી સાથે છે એ વાત કરું તો મને, પહેલા બાપ ભોળનાથે(નગર મેં જોગી આયા ગીત .) તાર્યો. પછી બીજું ગીત મોગલ છેડતા કાળો નાગે મને પ્રસ્થાપિત કર્યો. ત્રીજું, લાડકી’એ તાર્યો.આમ, મા, બાપ અને દીકરીના, બધાના આશીર્વાદ મળી ગયા. હજારો લાખો લોકો સંઘર્ષ કરતા હોય તેમ છતાં જેને પરિવાર, ગુરુ કે પરમના આશીર્વાદ હોય તેને જ સફળતા મળે છે, હું એ ભાગ્યશાળી છું. આજ સુધીની કારકિર્દીમાં અનેક માન, સન્માન, એવોર્ડ, ઇનામ મેળવ્યા છે, આ એ વાતની પ્રતીતિ છે કે મારો શ્રોતા મને ચાહે છે. જ્યાં સુધી મને સાંભળનારા મને પસંદ કરશે ત્યાં સુધી ગાતો રહીશ બસ…