ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે.
ત્યારે જૂનાગઢના વડાલ ખાતેથી મે.જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા આશરે રૂ. 7 લાખની કિંમતનો 2100 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વલસાડ ખાતે પણ મે.ચરણામૃત ડેરી અને મે.જશનાથ ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરાતા રૂ. 3.34 લાખની કિંમતનો આશરે 533 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને મળી રાજ્યમાં કુલ રૂ. 10.34 લાખની કિંમતનો 2633 કિલોગ્રામ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા જપ્ત કરાયો છે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ઘીમાં ભેળશેળ કરતા હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરી તેમજ જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢની મે.જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ ખાતે સફળ રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીના માલિક કમલેશકુમાર સોઢા વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. તપાસ દરમ્યાન શંકાસ્પદ અમુલ ઘી તથા કૃષ્ણા ઘીના 15 કિગ્રા પેકિંગમાં જથ્થો જોવા મળ્યો હતો, જેનું બીલ રજૂ કર્યું ન હતું પરંતુ નિવેદનથી આ ઘી તેઓ મે. જી.પી.એસ. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ-મુંબઈથી વગર બીલે ખરીદ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.