કોમેડિયન કુણાલ કામરા ઘણીવાર સમકાલીન રાજકારણ પર ટિપ્પણીઓ અને મજાક કરીને વિવાદોને સામેથી આમંત્રીત કરે છે. હાલમાં જ તેના યુટ્યુબ વીડિયોના કારણે મહારાષ્ટ્રમાં ઉથલ પાથલ મચી છે.
2020માં એરલાઇન પ્રતિબંધ
- Advertisement -
વર્ષ 2020 માં, કુણાલ કામરા પર ઇન્ડિગો એરલાઇન્સ અને સ્પાઇસજેટ દ્વારા થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વાસ્તવમાં, કામરા પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને પરેશાન કરવાનો આરોપ હતો. તે ફ્લાઇટની અંદર અર્નબને તેના શો સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યો હતો. કામરાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. આ ઘટના પછી, એરલાઇન્સે તેમના પર થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો.
બાળકના ‘મોર્ફ કરેલા’ વીડિયોનો વિવાદ
મે 2020 માં પણ કામરા એક વિવાદમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જર્મની મુલાકાત દરમિયાન તેમના માટે ગાતા સાત વર્ષના છોકરાનો એક સંપાદિત વિડિઓ શેર કર્યો હતો. ક્લિપમાં છોકરા દ્વારા ગાયું ગીત “હે જન્મભૂમિ ભારત” ને 2010 ની ફિલ્મ પીપલી લાઈવના પ્રખ્યાત ગીત “મહંગાઈ ડાયાં ખાયે જાત હૈ” ની સાથે બદલી દેવાયું (મોર્ફ) હતું. છોકરાના પિતા, ગણેશ પોલે, કામરાને ફોન કર્યો અને તેમના બાળકને તેના “ગંદા રાજકારણ”થી દૂર રાખવા કહ્યું. કામરાએ જવાબ આપ્યો કે, તે બાળકની મજાક નથી ઉડાવી રહ્યો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ આ ઘટનાની નોંધ લીધી અને ટ્વિટર (હવે X) અને દિલ્હી પોલીસને ટ્વિટ દૂર કરવા કહ્યું. બાદમાં કુણાલ કામરાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી.
- Advertisement -
સુપ્રીમ કોર્ટની અવમાનનો કેસ
નવેમ્બર 2020 માં, કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ X (તે સમયે ટ્વિટર) પર ન્યાયતંત્ર વિરુદ્ધ કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. આ પોસ્ટ્સને કોર્ટનો તિરસ્કાર ગણવામાં આવ્યો અને તેમની સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોતાના પ્રતિભાવમાં, કામરાએ કહ્યું કે, તેમની ટિપ્પણીઓ ન્યાયતંત્રના પાયાને હચમચાવી શકે નહીં. ન્યાયતંત્રની વિશ્વસનીયતા તેના કાર્ય પર આધાર રાખે છે.
રાષ્ટ્રધ્વજ અપમાન વિવાદ
2022 માં, કામરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી. આમાં, સુપ્રીમ કોર્ટની ઇમારત પર ભારતીય ત્રિરંગાને બદલે એક રાજકીય પક્ષનો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. આ અંગે વારાણસીના એક વકીલે તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવીને ફોજદારી ફરિયાદ દાખલ કરી.
જ્યારે IT નિયમો પર કેન્દ્ર સાથે ઘર્ષણ થયું હતું
6 એપ્રિલ, 2023 ના રોજ, સરકારે IT નિયમો 2021 માં સુધારો કર્યો, જેનાથી ફેક્ટ-ચેક વેબસાઇટ્સ માટે કેન્દ્ર સરકારના કોઈપણ કાર્યના સંબંધમાં નકલી, ખોટી અથવા ભ્રામક માહિતી પ્રકાશિત, શેર અથવા હોસ્ટ ન કરવી ફરજિયાત બનાવવામાં આવી. સરકારે કહ્યું હતું કે, કેન્દ્રનું ફેક્ટ ચેક યુનિટ નકલી, ખોટી અને ભ્રામક માહિતી ઓળખશે. આ અંગે કુણાલ કામરાએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આ સુધારા રદ કરવાની માંગ કરી હતી. આ અરજીમાં કામરાએ કહ્યું છે કે વ્યંગની હકીકત ચકાસી શકાતી નથી. જો કેન્દ્ર સરકાર વ્યંગ્યની તપાસ કરે અને તેને નકલી કે ભ્રામક કહીને સેન્સર કરે, તો રાજકીય વ્યંગ્યનો હેતુ સંપૂર્ણપણે મરી પરવારશે.
સલમાન ખાન વિવાદ
એપ્રિલ 2024 માં, કુણાલ કામરાએ તેના કોમેડી વીડિયોમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના શો બિગ-બોસની મજાક ઉડાવી હતી. તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થયો. તે સમયે સમાચાર આવ્યા હતા કે, સલમાન તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરશે. કામરાએ પછી કહ્યું, ‘હું ઉડતો પક્ષી કે ફૂટપાથ પર જતો પક્ષી નથી અને હવે હું મજાક માટે માફી માંગતો નથી…’
ઓલા ઇલેક્ટ્રિક સાથે વિવાદ
ફેબ્રુઆરી 2025 માં, કામરાએ સોશિયલ મીડિયા પર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ગુણવત્તા પર સવાલ ઉઠાવતી પોસ્ટ કરી હતી. આના જવાબમાં ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ પછી બંને વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ શરૂ થયું. આ વિવાદે સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું.
ઝોમેટો સાથે વિવાદ
માર્ચ 2025 માં, કુણાલ કામરાએ ઝોમેટોની પેટાકંપની બ્લિંકિટ પર ગિગ ઇકોનોમી કામદારોના પગાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂછ્યું કે, બ્લિંકિટ તેના ડિલિવરી પાર્ટનર્સને સરેરાશ કેટલું ચૂકવે છે? ઝોમેટો અને બ્લિંકિટના અધિકારીઓએ આનો જવાબ આપ્યો, જેના કારણે આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો. આ વિવાદો છતાં, કામરાએ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વ્યંગ અને હાસ્ય કરવાનું ચાલુ રાખ્યું હતું.