આ આંકડો તો ફક્ત સિવિલ હોસ્પિટલનો છે અન્યના તો અલગ
શિયાળાના પ્રારંભે શરદી-ઉધરસ જેવા રોગના કેસમાં વધારો જોવા મળ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાનો જેમ જેમ પારો વધી રહ્યો છે તેમ તેમ તાવ,શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજ સવારથી જ દર્દીઓએ લાંબી લાઈનો લગાવી હતી. આજે સવારે 9થી 12 વાગ્યાની વાત કરીએ તો ત્રણ કલાકમાં જ 450 કેસ તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળ્યા હતા. આ આંકડો ફક્ત સિવિલ હોસ્પિટલનો છે જ્યારે ખાનગી દવાખાના અને મોટી હોસ્પિટલના કેસ તો અલગ જ છે. જ્યારે ગઈકાલે શરદી, તાવ અને ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યા હતા.
જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા હતા કે, ચાલુ જાન્યુઆરી માસથી નવેમ્બર સુધીના 11 મહિનામાં શરદી-ઉધરસના સાડા તેર હજાર, સામાન્ય તાવના સાડા ચાર હજાર અને ઝાડા-ઉલ્ટીના 3800થી વધુ કેસ નોંધાયાનું વિભાગે જણાવ્યું છે. તો ચાલુ સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 12 દર્દી પણ નોંધાયા છે. તા.28-11 થી તા.4-12-22ના અઠવાડિયામાં ડેન્ગ્યુના નવા 12 કેસ આવતા ચાલુ વર્ષના 11 મહિનામાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 247 પર પહોંચ્યો છે. તો મેલેરીયાના એક સહિત વર્ષમાં 47 અને ચીકનગુનિયાના એક સહિત વર્ષમાં 27 કેસ ચોપડે ચડયા છે. આ સપ્તાહમાં જ શરદી-ઉધરસના 212, સામાન્ય તાવના 43 અને ઝાડા-ઉલ્ટીના નવા 60 દર્દી આવ્યા છે.
જ્યારે રોગચાળાને રોકવા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.28 થી તા. 4-12 દરમ્યાન 50,343 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા 1470 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
કોવિડ સેન્ટરમાં લગાવવામાં આવેલી ડેકોરેશનની લાઈટો તૂટી ગઈ
કોરોનાની લહેર વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક અલગ જ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં આગળની સાઈડ ડેકોરેશનની લાઈટો લગાવવામાં આવી હતી. જે હવે તૂટી ગઈ છે. મેઈન્ટેનન્સના અભાવે કોવિડ ડેકોરેશનની લાઈટો તૂટી ગઈ છે. લાઈટોના થાંભલા પણ ઉખડી ગયા છે.
- Advertisement -
વિકલાંગ લોકો માટે ઈલેક્ટ્રીક રિક્ષાઓ સિવિલના પાર્કિંગમાં ધૂળ ખાય છે
વિકલાંગ લોકો માટે સિવિલ હોસ્પિટલમાં રીક્ષાઓની ફાળવણી કરવામાં આવી છે. જો કે, હાલ તે હોસ્પિટલના પાર્કિંગમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. આ રીક્ષાઓ હોસ્પિટલના ગેટ પાસે ઉભી હોય છે જ્યારે કોઈ દિવ્યાંગ દર્દી આવે તો તેને અંદર લઈ જવાની જવાબદારી આ રીક્ષાની હોય છે પરંતુ અહીં તો ચિત્ર અલગ જ જોવા મળી રહ્યું છે. પાર્કિંગમાં રીક્ષા જોવા મળી હતી.