ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરિયાદી યોગેશ રાજેશભાઈ મકવાણા દ્વારા રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરવામાં આવેલી કે તા. 27-8-24ના રોજ તેઓ રૈયા ગામ બસ સ્ટેશન પાસે હોય ત્યારે તેઓનો વિવો-વી-25 મોડલનો મોબાઈલ ખોવાઈ ગયો હોય બીજા દિવસે ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોન ખોવાઈ ગયા અંગેની ફરિયાદ કરવા ગયા અને ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને સંબોધીને મોબાઈલ ગુમ થયા બાબતનું ફોર્મ ભરી આધારકાર્ડ અને બીલની નકલ સાથેની અરજી કરેલી હતી. ત્યારબાદ તા. 31-12-24ના રોજ સાંજના તેઓને ગાંધીગ્રામ યુનિ. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવેલો અને જણાવેલું કે તમારો ફોન મળી ગયો છે, ફોનનું બીલ લઈ અને પોલીસ સ્ટેશનમાં આવજો જેથી તા. 1-1-25ના રોજ સવારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લેવા ગયા ત્યારે હાજર પોલીસ કર્મચારીએ તેઓને જણાવેલું કે મોબાઈલ ફોન પરત આપવાનું કામ અનીતાબેન કરે છે જે હાજર નથી જેથી ફરિયાદી ત્યાંથી નીકળી ગયા ત્યાર બાદ તા. 2-1-25ના રોજ ફરીથી પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં એક બેન બેઠેલા હતા અને તેઓને પૂછયું કે અનીતાબેન ક્યાં બેેસે છે ત્યારે ખુરશી પર બેસેલા બેને કહ્યું કે હું જ અનીતાબેન છું તમારે શું કામ છે, જેથી ફરિયાદીએ તેઓને જણાવેલું કે મારો ફોન ખોવાઈ ગયો હતો તે પરત લેવાનો છે જેથી તેઓ દ્વારા ફોન બતાવી એક ફોર્મ ભરાવડાવેલુ અને ફરિયાદીને કહેલું કે મોબાઈલ ફોન પાછો જોઈતો હોય તો મારી સાથે રૂા. 2000નો વહીવટ કરવો પડશે જેથી ફરિયાદી પાસે રકમ ન હોય તેઓએ રકમની વ્યવસ્થા કરી આપી જઈશ અને મોબાઈલ ફોન લઈ જઈશ તેવું કહી નીકળી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી દ્વારા તેઓના મિત્ર ભાવેશભાઈ રાઠોડને ખરી હકીકતની જાણ કરેલી હતી જેથી ભાવેશભાઈ રાઠોડએ તેઓને એસીબીમાં ફરિયાદ કરવાનું જણાવેલું અને ફરિયાદી દ્વારા ફોન બાબતે એસીબીમાં ફરિયાદ કરેલી હતી. બનાવ બાબતે રાજકોટ શહેર એસીબી પોલીસ દ્વારા તા. 3-1-24ના રોજ ભાવેશભાઈ રાઠોડ તથા ફરિયાદી બંનેને ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશનમાં મોકલી મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ ચાલુ કરી સદરહુ બનાવની વાતચીત રેકોર્ડ કરવા કહી અને સદરહુ વાતચીત અંગેનું રેકોર્ડીંગ કરેલું હતું અને મોબાઈલ ફોન આપવા માટે રૂા. 1500નો વહીવટ નક્કી કરેલો હતો અને જે અંગેની તમામ વાતચીતનું તેઓના ફોનમાં ઓડીયો રેકોર્ડીંગ કરેલું અને સદરહુ લાંચ બાબતે એસીબીમાં ફરિયાદ કરેલી. ત્યારબાદ ફરિયાદ અન્વયે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક પંચનામુ અને પ્રાથમિક ફરિયાદ નોંધી ટ્રેપ ગોઠવવામાં આવેલી અને નક્કી થયા મુજબ ટ્રેપ ગોઠવેલ અને ત્યારબાદ બધા ટે્રપીંગ અધિકારી તેમજ પંચો તેમજ ફરિયાદી બધા ગાડીમાં બેસી લાંચની રકમ આપવા માટે ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશન જવા રવાના થયા અને ત્યારબાદ નક્કી થયા મુજબ રૂા. 1500 આ અનીતાબેનને આપવાનું કહેતા તેઓએ રકમ લઈ અને પોતાના મોબાઈલ ફોન પર રાખેલો હતો ત્યારબાદ ફરિયાદીએ ઈશારો કરતાં ટ્રેપીંગ ઓફીસર તથા અન્ય અધિકારીઓ આવી લાંચની રકમ કબજે કરી હતી તે મુજબની ફરિયાદ નોંધાવેલી હતી.ગુન્હા અનુસંધાને રાજકોટ એસીબી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી અનીતાબેન ઈશ્ર્વરભાઈ વાઘેલાની અટક કરી જેલહવાલે કરેલા હતા.
- Advertisement -
બાદમાં ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા વિવિધ પંચનામાઓ કરી સાહેદોના નિવેદનો નોંધી મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું. ચાર્જશીટ બાદ આરોપી અનીતાબેન ઈશ્ર્વરભાઈ વાઘેલા દ્વારા રાજકોટ સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી જે જામીન અરજી નામદાર અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી ત્યારબાદ તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી.
આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલા છે તેમજ તા. 1-1-25ના બનાવ અંગેની ફરિયાદ તા. 6-1-25ના રોજ આપવામાં આવેલી છે તેમજ જે મુદ્દામાલ મેળવવા અંગે લાંચ માંગવાની ફરિયાદીએ ફરિયાદ કરેલી છે તે મુદ્દામાલ અંગેની લાંચની રકમ તેઓ પાસેથી રીકવરી થયેલી નથી તેમજ તેઓ દ્વારા કોઈપણ જાતની રકમની માગણી કરેલી ન હોવા છતાં તેઓને ખોટી રીતે ખોટા કેસમાં ફીટ કરી દેવામાં આવેલા છે, તમામ તપાસ પૂર્ણ થઈ ગયેલી છે તેમજ રીકવરી ડીસ્કવરી પૂર્ણ થઈ ગયેલા છે હાલ તપાસના કામે આરોપીની કોઈ જરૂરિયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલી હતી.
બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનીતાબેન ઈશ્ર્વરભાઈ વાઘેલાને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં ગુજરાત હાઈકોર્ટમાં વિશાલભાઈ આણંદજીવાલા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવીર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.