શબદશૃંગાર:પૂજય બાપુ
આપણા સંબંધ સખી એવા કહેવાય,
- Advertisement -
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે…
પ્રિય જિંદગી,
હું આંખો બંધ કરીને વિચારું છું કે આપણે બે પંખી બનીને નિર્ભયતાથી પોતીકા આકાશમાં ગતિ કરી, મુક્ત મને જીવી રહ્યાં છીએ. સમય થંભી જાય અને ક્યારેય સૂર્ય અસ્ત જ ના થાય તો આ રીતે મારે આકાશમાં સતત ઊડતાં રહેવું છે. તારો સાથ, સહવાસ મારી જીવાદોરી છે. આપણાં સંબંધનું માત્ર એક જ સરનામું છે અને એ સરનામું એકબીજાના હૃદયમાં કોતરાઈ ગયું છે. હું પ્રથમ તો તને વહાલથી નવડાવવા માગું છું. તારી આંખોમાં ગંગાજળની પવિત્રતા છે, મારાં હાથમાં વ્હાલાભિષેકની પૂર્ણ શ્રદ્ધા છે. દુનિયાનાં અન્ય દરેક વ્હાલથી મારું વ્હાલ વિશેષ એટલાં માટે છે કેમ કે એમાં સમર્પણનો મહાસાગર પણ અવિરત ઘૂઘવી રહ્યો છે.
- Advertisement -
ગઈકાલે તે મારી દાઢીના સફેદ વાળની આકારણી કરી હતી ત્યારે અંદરથી એક આનંદનો થનગનાટ બહાર આવી ગયો હતો કારણ – મારે મારાં બધાં જ વાળ સફેદ કરી તારી સાથે આખું આયખું ઉજળું કરી જીવી જવું છે. જિંદગી! મારે તને ઓઢવી છે, તારી હૂંફમાં મારે મારાં શ્વાસની માળા કરવી છે. મનમંદિરના પ્રવેશદ્રાર પર તારા પ્રેમનું તોરણ બાંધી શ્રદ્ધાનો સાથિયો પૂરવો છે. આપણે બંનેએ પ્રેમનાં બીજ વેર્યાં છે. ભેગાં મળીને બીજનું લાગણીથી જતન કરી પ્રેમવૃક્ષનું નિર્માણ કરીશું, પછી એ વૃક્ષની શીતળ છાંયમાં પ્રેમહિંડોળો બાંધી, દુનિયાદારીથી અળગા થઈ આપણામાં લીન થઈ જઈશું. મારી લાગણીની દોરી તને આપણાં પ્રેમહિંડોળા પર ઝૂલાવવા ધીમે ધીમે પાકી થઈ રહી છે… થઈ ગઈ છે…
હળવેથી મારા હોઠ તારા કાન પાસે લઈ જાઉં છું અને તારા નામનો ઉચ્ચાર કરું છું પછી તું લજજાથી રતુંબડી બની મને વળગી પડે છે ત્યારે મારા રુંવે રુંવે કેફ ચડી જાય છે. તારો નશો મારું વળગણ છે… આદત છે… વ્યસન છે… આ વળગણ મને ભરડો લઈ છાતીથી ભીંસે છે અને હું બઘું ભૂલી તારામાં ઓગળતો જાઉં છું. બારીમાંથી આવતો ઠંડો પવન તારા પરસેવાની સોડમ પર આક્રમણ કરવા મથે છે પરંતુ હું એ પવનની તીવ્રતા રોકી તારા પરસેવામાં લથબથ થઈ ભીંજાયેલો રહું છું. ઠંડો પવન પણ મારી અંદરની ભીનાશ સામે હારી જઈ પોતાના હથિયાર હેઠાં મૂકી મંદ પડી જાય છે. જિંદગી! તારું સમગ્ર શરીર મારી જાગીર હોય એમ હું એમાં વિહાર કરું છું. માથાનાં વાળથી છેક પગનાં નખ સુઘી તારા અંગે અંગમાં મારું જ સામ્રાજ્ય ફેલાયેલું છે. તારા શરીરનું દરેક ક્ષેત્ર મારાં સ્પર્શથી પરિચિત છે. તારી નાજુક આંગળીઓ મારે મન તો ગોકુળ છે. તારું પાણીની જેમ મને સ્પર્શવું એ જ જીવન છે. તારા ડાબા હાથની ટચલી આંગળીનો નખ જ્યારે પ્રેમથી મારાં જમણા બાવડા પર ઘસાય છે ત્યારે લોહીની ટશર જ નથી ફૂટતી પરંતુ પ્રેમધોધ વહે છે. સ્પર્શની આ ભાષાનો કોઈ ઉકેલ નથી. કારણ કે તું મારું સર્વસ્વ છે. જિંદગી! તું છે એટલે જ આ સઘળું છે.
સતત તને શ્વસતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- વીરુ પુરોહિત)