માણાવદર ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય ?
પાટીદાર છું પણ કોંગ્રેસને વફાદાર રહેવાનો: અરવિંદ લાડાણી
- Advertisement -
ખંભાત અને વિસાવદર બેઠકના ધારાસભ્ય રાજીનામા બાદ નિવેદન
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 2024 લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય સમીકરણો બદલતા જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ વિસાવદર ધારાસભ્ય ભુપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદે રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા ત્યારે વધુ એક ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામાં આપતા હજુ અનેક કોંગ્રેસ ધારાસભ્ય રાજીનામાં આપીને ભાજપ સાથે જોડાવાની અટકળો વચ્ચે માણાવદર ધારાસભ્યએ એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી.
માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, હું ભાજપના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યો છું. ત્યારે હાલ જે રીતે વિસાવદર અને ખંભાતના ધારાસભ્યએ રાજીનામાં આપ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં અનેક અટકળો શરુ થઈ છે કે, હજુ કોંગ્રેસના વધુ ધારાસભ્ય રાજીનામાં અપાશે અને ભાજપમાં જોડાશે ત્યારે હું સ્પષ્ટ કહું છુ કે, હું મારા મતદાર અને કોંગ્રેસનો વફાદાર સેનિક છુ અને રહેવાનો અને કોંગ્રેસ સાથે વફાદરી નિભાવીશ તેમ જણાવ્યું હતું
વધુમાં અરવિંદ લાડાણી જણાવ્યું હતું કે, હા હું પાટીદાર છું અને હાલમાં જે ખંભાત અને વિસાવદર ધારાસભ્ય પણ પાટીદાર હતા.
ત્યારે ઓફરો અને વાતું થતી હશે કે અરવિંદભાઈ લાડાણી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તે વાત ખોટી છે. પાટીદાર નેતા તરીકે ઓફરો આવતી હોય પણ હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી. કોંગ્રેસ સાથે રહીને વફાદારીપૂર્વક કામ કરીશ તેમ અંતમાં જણાવ્યું હતું.
આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોના ગણિત શરૂ
જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી બે જિલ્લામાં સાથે જોડાયેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં વિસાવદર બેઠક તેમજ માણાવદર બેઠક પોરબંદર લોકસભા સીટ સાથે જોડાયેલ છે. ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ લોકસભા બેઠકને મજબૂત કરવા વિસાવદર ધારાસભ્ય ભાજપમાં જોડાતા વધુ મજબૂત કરી છે તેની સાથે પોરબંદર લોકસભા બેઠક મજબૂત કરવા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાય તો તે બેઠક પણ મજબૂત બને તેમ છે એવા સમયે અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરતા હવે આગામી સમય બતાવશે હજુ કોણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપ સાથે હાથ મિલાવશે.