સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના બંધારણના નિર્માતા ડો. બી.આર. આંબેડકરની અમેરિકાની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા અને તેઓએ ’જય ભીમ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ડો.આંબેડકરની પ્રતિમાને ’સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ નામ આપવામાં આવ્યું છે. ડો. બી.આર. આંબેડકરની આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં સ્થાપિત કરવામાં આવી છે.
પ્રતિમાના અનાવરણ સમયે આખા અમેરિકા અને ભારતથી કેટલાક લોકો મેરીલેન્ડમાં હાજર રહ્યા હતા. કેટલાક લોકો તો લગભગ 10 કલાકનો સફર કરીને ત્યાં પહોંચ્યા હતા. આ ઐતિહાસિક અવસર પર લગભગ 500 ભારતીયો અથવા ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા. અમેરિકામાં સ્થાપિત કરવામાં આવી ડો. આંબેડકરની આ પ્રતિમાનું નિર્માણ પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતારે કર્યું હતું. રામ સુતારે જ ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું હતું.
રવિ કુમાર નારા ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ભારતથી અમેરિકા ગયા છે. અમેરિકામાં આંબેડકર મૂવમેન્ટના નેતા દિલીપ મહાસ્કેએ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભારતના 140 કરોડ લોકો અને 45 લાખ ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, આ પ્રતિમા અમેરિકામાં રહેતા ભારતીયોને પ્રેરણા આપતી રહેશે. ડો. આંબેડકરની પ્રતિમાના અનાવરણ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.