ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
નવા વર્ષની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના નાગપુરથી એક એવી ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેના વિશે સાંભળી ગમે તે વ્યક્તિ ધ્રૂજી ઊઠશે. નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા છોકરા પર તેના માતા-પિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. નાગપુર પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના નાગપુરના કપિલ નગર વિસ્તારમાં બની હતી, જ્યાં 26 ડિસેમ્બરે 25 વર્ષીય ઉત્કર્ષ ઢાકોલેએ તેના માતા-પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એવી શંકા છે કે આરોપી છોકરા અને તેના માતા-પિતા વચ્ચે કરિયર અને અભ્યાસને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું.
- Advertisement -
પોલીસને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે ઢાકોલે પરિવારના પડોશીઓએ બુધવારે (26 ડિસેમ્બર) ના રોજ દુર્ગંધની ફરિયાદ કરી. મામલો ધ્યાને આવતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને તપાસ બાદ ઉત્કર્ષની ધરપકડ કરી. કડક પૂછપરછ કરતાં આરોપી યુવકે હત્યાની કબૂલાત કરી હતી.પોલીસે જણાવ્યું કે મૃતદેહો સંપૂર્ણ રીતે સડી ગયા હતા. મૃતકોની ઓળખ લીલાધર ઢાકોલે (55) અને તેમની 50 વર્ષીય પત્ની અરુણા તરીકે થઈ છે. પોલીસસમક્ષ આરોપી ઉત્કર્ષે પોતે સ્વીકાર્યું કે તેણે 26 ડિસેમ્બરની બપોરે તેની માતાનું કથિત રીતે ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકે ઘરે પરત આવતાં તેણે તેના પિતાને છરીના ઘા મારી હત્યા કરી હતી. આ પછી તેણે મૃતદેહોને ત્યાં છોડી દીધા હતા. ઉત્કર્ષની માતા શિક્ષિકા હતી અને પિતા પાવર પ્લાન્ટમાં ટેક્નિશિયન હતા અને સામાજિક કાર્યકર પણ હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ખુલાસો થયો કે તેણે તેના શિક્ષણ રેકોર્ડ અને કારકિર્દીની ચિંતાને કારણે તેના માતા-પિતાની હત્યા કરી હતી. ઉત્કર્ષ તેના એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પાસ કરી શક્યો ન હતો. તેથી તેના માતાપિતા ઇચ્છતા હતા કે તે આગળ અભ્યાસ કરે, પરંતુ તે તેમના સૂચનને અનુસરવા માંગતો નહોતો.