પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
‘આ સંસાર વાર્તા પુરી થયા બાદ બચેલા તેના પ્રભાવ જેવો છે.’
– યોગ વસિષ્ઠ રામાયણ
અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે જે આપણા હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મને આ સમય આઈડિઅલ લાગે છે પૌરાણિક કથાઓના સાગરમાં ડૂબકી મારવા માટે. થોડા સમયથી જે પૌરાણિક કથાઓ વાંચી રહ્યો છું તેમાંથી જે મને સમજાણું તે અહીં શેર કરવાનો પ્રયાસ છે.
રામાયણનની શરૂઆતમાં મંથરા નામની દાસી કૈકેયીના કાન ભંભેરે છે. આમાં એવું કહેવાયું છે મંથરા પણ સ્વભાવે એવી દ્વેષીલી નાતી પણ દેવતાઓએ એવી ગોઠવણ કરી કે સરસાસ્વતી મંથરાની જીભે એવા વેણ મૂકી દે કે તે કૈકેયીને ઉશ્કેરે અને કૈકેયી રામને વનવાસ અને ભરતને ગાદી એવી માંગણી દશરથ સામે મૂકે. જો કૈકેયી એવી કઈ હાથ ન કરત તો રામને વનવાસ ન મળત. એવી જ રીતે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ન જાત તો તેઓને શૂર્પણખાનો ભેટો ન થાત, તેથી નતો રાવણ સીતાનું હરણ કરત કે ન રામ અને રાવણનું યુદ્ધ થાત. હકીકતે તે સમયે રાવણ પોતાની શક્તિ અને સત્તાના સર્વોચ્ચ શિખરે હતો. ચારેબાજુ તેણે પોતાની આણ વર્તાવી હતી. રાક્ષસજાતિનું પ્રભુત્વ હતું અને ધર્મની પર સંકટ તોળાતું હતું. માટે રાવણનો વધ અતિઆવશ્યક હતો. આમ, દેવતાઓએ ગોઠવણ કરી કે ભગવાન શ્રીરામ રાવણની સામે યુદ્ધ કરે અને તેનો વધ કરે.
- Advertisement -
વિરામ:
હું જગદિશ્વરની પૂજા કરું છું, જે શાંત, શાશ્વત, અગાધ (પુરાવાથી પર) છે, પાપરહિત છે, મોક્ષના રૂપમાં સર્વોચ્ચ શાંતિ આપનાર, કે જેને સતત બ્રહ્મા, શંભુ અને શેષજીથી સેવવામાં આવે છે, વેદાંત દ્વારા જ્ઞાત, સર્વવ્યાપી, મહાનતમ દેવ, જે માયામાંથી માનવ સ્વરૂપમાં પ્રગટ થાય છે, જે તમામ પાપોને દૂર કરે છે, કરુણાની ખાણ છે, રઘુકુળમાં શ્રેષ્ઠ અને રાજાઓના વડા, એવા જગદિશ્વર જે છે.
– ગોસ્વામી તુલસીદાસ (સુંદરકાંડ)
અહીં મને આ વાત બહુ પ્રતીકાત્મક લાગી. ઘણીવાર આપણી સાથે પણ એવું થતું હોય જ છે ને! ઘણા માણસોનો કોઈ વાંક ન હોવા છતાં તેઓએ ઘણું બધું સહન કરવું પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે માણસ તરીકે બહુ ઉમદા હોવા છતાં તેમની સાથે આવું શા માટે થયું? તેની પાછળ વિધાતાનો એવો પણ આશય હોય કે એ વ્યક્તિ પોતાને થયેલ જે હાનિ છે તેનો બદલો એ રીતે વાળે કે તે આખા સમાજ, દેશ કે વિશ્વને લાભ કરે. કૃષ્ણના માતાપિતાને કંસે બંધક ના બનાવ્યા હોત કે તેમના બાળકોને બર્બરતાથી મારી ન નાખ્યા હોત તો કૃષ્ણના મનમાં કંસ પ્રત્યે વેરભાવ જાગ્યો હોત? અને તેઓએ તેનો વધ કર્યો હોત?
નજીકના ઇતિહાસની વાત કરીએ તો ગાંધીજીને જો ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી કાઢી ન મુકાયા હોત તો તેમના મનમાં જાતિભેદ અને રંગભેદ સામે લડવાનો તથા સત્યાગ્રહનો વિચાર આવ્યો હોત? દશરથ માંઝી નામના માણસે તેની દુર્ઘટનામાં મરેલી પત્નીની યાદમાં પહાડ કોતરીને રસ્તો બનાવી નાખ્યો. પણ જો તેમના પત્ની મૃત્યુ ન પામ્યા હોત તો તેમને આવી રીતે પહાડમાંથી રસ્તો કોતરવાનું સૂઝ્યું હોત? આવા તો ઘણા ઉદાહરણો છે.
શું વિધાતાના મનમાં એવું હોય કે આ માણસ પાસે ક્ષમતા છે, સામર્થ્ય છે પણ તેનામાં એક પ્રકારની આક્રમકતાનો અભાવ છે તેથી તેઓ માણસને એક ’ઈમોશનલ કિક’ આપવા તેની સાથે અન્યાય કરે છે? એક માણસનું ખરાબ થવાથી આખા સમાજ, દેશ કે વિશ્વનું કલ્યાણ થતું હોય તો તે યોગ્ય છે. ખરું કે નહીં?
પૂર્ણાહુતિ:
રામાયણમાં માલ્યવાન એટલે કે રાવણના નાનાશ્રી રાવણને કહે છે કે તમે પોતાના બળથી આ કાળને તો જીતી લીધો પણ પોતાના જ કામ અને અહંકારને જીતવામાં તમે નિષ્ફળ રહ્યા.