અર્થામૃત
જેણે કરોડો બ્રાહ્મણોની હત્યા
કરી હોય, તેને પણ શરણે આવ્યા
પછી હું ત્યજતો નથી. જીવ જ્યારે
મારી સન્મુખ થાય છે; ત્યારે તેના
કરોડો જન્મના પાપ નાશ પામે છે.
ભગવાન બુદ્ધ કોઈ એક ગામમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા. એક નવયુવાન ઊભો થયો અને બુદ્ધને કહ્યું, આપ આવી વાતો રોજ કરો છો. આપની પાસેથી લોકોને માત્ર જ્ઞાન જ મળે છે પણ કોઈને ભગવાન કેમ નથી મળતા ? બુદ્ધે યુવકને કહ્યું, આ સભા પૂર્ણ થયા પછી તું મને મળજે. હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. સભા પૂર્ણ થયા પછી યુવક બુદ્ધને મળ્યો. બુદ્ધે એને એક કામ સોંપ્યું કે, ‘આવતી કાલે લોકો સભામાં આવે એ પહેલા તારે મારી કથા સાંભળવા આવતા દરેકની મુલાકાત લેવાની છે. તારે દરેકને મળીને એની એક એવી ઇચ્છા જાણવાની છે, જેના માટે એ ભગવાનને પ્રાર્થના કરતો હોય.’
- Advertisement -
યુવક એક એક ઘેર જઈને ઇચ્છા જાણવા માંડ્યો. દરેક જગ્યાએથી જુદા-જુદા ઉત્તર મળ્યા. કોઈને પોતાની માલિકીનું ઘર જોઈતું હતું, તો કોઈને યોગ્ય વર જોઈતો હતો. કોઈને નોકરીની ઇચ્છા હતી, તો કોઈને છોકરીની ઇચ્છા હતી. કોઈએ પોતાની માંદગી દૂર કરવા માટેની માંગણી મૂકી, તો કોઈએ સારી ગાડી મળી જાય એવી ઇચ્છા વ્યકત કરી. કોઈને સંતાન જોઈતું હતું, તો વળી કોઈને સન્માન જોઈતું હતું.
યુવાન બીજા દિવસે બુદ્ધ પાસે આવ્યો. બુદ્ધે યુવાનને કહ્યું, રોજ આ કથા સાંભળવા આવતા લોકોના મનની ઇચ્છાઓને બધાંની હાજરીમાં વાંચી સંભળાવ. યુવાને લોકોની ઇચ્છાઓની યાદી વાંચવાની શરૂ કરી. આખી યાદી પૂર્ણ થયા પછી બુદ્ધે કહ્યું, આ જુદી જુદી ઇચ્છાઓ પૈકી જેને ભગવાન મેળવવાની ઇચ્છા હોય એવા લોકોના નામ મને વાંચી સંભળાવ. યુવાને યાદી એક બાજુ મૂકીને કહ્યું, તથાગત, મને મારા પ્રશ્ર્નનો જવાબ મળી ગયો છે.