ભાજપે નવો ચહેરો, કૉંગ્રેસે રિપિટ તો આપ દ્વારા જૂના જોગીને ટિકિટ આપી
ત્રણ પક્ષ વચ્ચે સીધો જંગ: અપક્ષ ઉમેદવરો મુખ્ય પક્ષનું ગણિત બગાડી શકે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લામાં તા.1 ડીસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 90 સોમનાથ સીટ પર ગત ટર્મ કરતાં આ વખતે રસાકસીભરી ચૂંટણી યોજાશે. ભાજપ, આપ અને કોંગ્રેસે સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપી છે. સાથે બે નગરસેવકો પણ અપક્ષમાં મેદાને ઉતર્યા છે. વેરાવળ તાલુકો શહેરમાં વધારે મતદારો ધરાવે છે. તો 54 ગામડાઓ પણ ધરાવે છે. ભાજપે આ વખતે છ વખત સોમનાથ બેઠક પરથી લડ્યા છે તેવા જશાભાઈને ટિકિટ ન આપી કારડિયા સમાજના જ પણ ફ્રેશ અને નવો ચહેરા અને બે વર્ષ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરનાર માનસિંહ પરમારની પસંદગી કરી છે. યુવા નેતા હોય, સવર્ણ સમાજ તેમજ ખારવા સમાજ તેમજ શહેરના મતદારોનો ઝુકાવ ભાજપ તરફી રહે છે જે ભાજપ ને ફાયદો છે. જો જ્ઞાતિવાદ થાય તો ભાજપને નુકશાન થઈ શકે. ગામડાઓમાં જે લીડ ઘટી રહી છે. ત્યાં ખાસ ધ્યાન આપે તો ભાજપને ફાયદો થાય તેમ છે.
આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા તે કેટલા મત લે તે જોવું પડે તેમ છે. જો કે સોમનાથ બેઠક પર લોકો ત્રીજો પક્ષ સ્વીકારતા નથી તેમજ દર ટર્મમાં જુદા જ પક્ષના ઉમેદવારને જીતએ ફેક્ટર કામ કરે તો ભાજપ ને ફાયદો થાય તેમ છે. ત્રણ માંથી કોઈ પણ પક્ષ જીતે હાર જીતનું માર્જિન ઓછું રહેશે તેવી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસે ગત ટર્મના વિજેતા ઉમેદવાર વિમલ ચુડાસમાને રિપિટ કર્યા છે. મુસ્લિમ સમાજ અને કોળી સમાજના મતો વન સાઇડેડ મળે તો કોંગ્રેસને ફાયદો થાય તેમ છે.પરંતુ ગત ટર્મમાં ત્રીજો પક્ષ ન હતો. જગમાલભાઈએ જાહેર ટેકો આપી દેતા વિમલભાઈને 94914 મત મેળવી 20450ની લીડ સાથે વિજય મેળવ્યો હતો. પરંતુ આ વખતે જગમાલભાઈ આપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. 2012માં જગમાલભાઈએ 22000 જેટલા મત અપક્ષમાં ઉભી મેળવ્યા હતા જે 2017 જળવાઈ રહે તેવું માનીએ તો વિમલભાઈના આ મત ઓછા થતા તેમણે બીજા 20000 જેટલા મત મેળવવા જોર કરવું પડશે તેવી ચર્ચા છે. જગમાલભાઈ વધારે મતો મેળવે તો તે કોંગ્રેસ ને વધુ નુકશાન થઈ શકે છે. આપ દ્વારા આ વખતે ચૂંટણીમાં ઝંપલાવી જુના જોગી અને રાજકારણી એવા જગમાલભાઈને ટિકિટ આપી છે. જગમાલભાઈએ 2012માં અપક્ષમાં ઉભી 20000થી વધારે મતો મેળવી ભાજપ ની હાર માટે જવાબદાર હતા.તો 2017 માં કોંગ્રેસને ટેકો આપી અને જોર લગાવતા જ્ઞાતિ સમીકરણો ને ધ્યાને લઈ ભાજપ ને હાર નો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે આ 20000 થી વધારે મત તો સ્યોર ગણી ચાલીએ અને છેલ્લા બે માસથી આપ પાર્ટી એ ઉમેદવાર બનાવ્યા હોય મતદારો ને મળી રીઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે તો તેમને પણ મતદારો મત આપી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ને ઝટકો આપી શકે છે. ત્યારે આ સીટ ખરેખર રસાકસી રૂપ બની રહેશે.
હાલ કોઈ નક્કી કરી શકે તેમ નથી કે કોણ વિજેતા બનશે.જ્ઞાતિવાદ ફેક્ટર કામ કરશે? વિકાસ ફેક્ટર કામ કરશે? કે પછી તળજોડની નીતિ કામ કરશે? તે મતદારો ઇવીએમનું બટન દબાવી ધારાસભ્યને વિજેતા બનાવી નક્કી કરશે.
- Advertisement -
ત્રણ અપક્ષ ઉમેદવારે દાવેદારી નોંધાવી
ગત નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી ઉદય શાહ અને ઈશ્ર્વર સોનેરી જંગી મતોથી વિજયી બન્યા હતા. તેઓ પણ ક્યાંક ને ક્યાંક અસંતોષને કારણે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે. જેથી લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ઘણા ખરા મત ભાજપના ઓછા થઈ શકે છે. ઉદય શાહે વોર્ડ નં.1માંથી ગત નગરપાલિકાની ચૂંટણીમાં 4427 મત અને ઈશ્ર્વર સોનેરી એ 5297 મેળવ્યા હતા. સાથે પૂર્વ નગરસેવક દેવેન્દ્ર મોતિવરસએ પણ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી હોય આ વખતે રસાકસી થશે તેમાં બેમત નથી.