પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના રાજકીય-સામાજીક આગેવાનોએ રાસોત્સવનો આનંદ માણ્યો, આજે મેગા ફાઇનલ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઇકાલે આઠમા નોરતા નિમિત્તે યોજાયેલ મહાઆરતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. પાટીદાર શ્રેષ્ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકોએ આતશબાજી સાથે માતાજીની આરતી કરી હતી. કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડમાં ઉમિયા માતાજી મંદિરમાં ઉમિયાની પૂજા અર્ચના સાથે રાત્રીના 10 કલાકે મહાઆરતીમાં હજારો ખેલૈયાઓ અને દર્શકોએ ભાગ લીધો હતો.
આઠમા નોરતે અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્રાજ તથા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ મહાઆરતીમાં જોડાયા હતા. કલબ યુવીના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ દર્શકો સહિત 10,000થી વધુ માનવ મેદનીએ મોબાઇલની ફ્લેશ લાઇટ દ્વારા માતાજીની આરતી કરી હતી.
મહાઆરતી દરમિયાન સમગ્ર ગ્રાઉન્ડની લાઇટો બંધ કરી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર ભાઇઓ-બહેનો હજારોની સંખ્યામાં ઉમટી
પડ્યા હતા.
દર્શકો અને ખેલૈયાઓએ પોત પોતાના મોબાઇલની ફ્લેશ લાઇટ દ્વારા માતાજીની આરતી કરી હતી. સમગ્ર મહાઆરતી દરમિયાન અદ્દભૂત ભક્તિસભર વાતાવરણ સજાર્યું હતું.
કલબ યુવીના આંગણે મા ઉમિયા માતાજીની મહાઆરતીમાં કલબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર્સ મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઇ પટેલ, એમ.એમ.પટેલ, કો-ઓર્ડીનેટર ડાયરેક્ટર કાંતીભાઇ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેક્ટર બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઇ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઇ ઘેટીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઇ આદ્રોજા સહિતના મહાનુભાવોએ આરતીનો લ્હાવો લીધો હતો. સુરેશભાઇ જાવીયાના માર્ગદર્શન હેઠળ સિંગર મયુર બુદ્ધદેવ સહિતના કલાકારોએ ક્લબ યુવીના ગરબા તેમજ માતાજીની અલાયદી આરતીનું કમ્પોઝ કરીને સુર તાલના સથવારે મહાઆરતીમાં અનોખું વાતાવરણ સર્જયું હતું. કલબ યુવી દ્વારા યુ ટ્યુબ તથા ફેસબુક લાઇવ દ્વારા મહાઆરતીનું પ્રસારણ કરાયું હતું. જેમાં દુનિયાભરના અનેક દેશોમાંથી પાટીદાર પરિવારોએ મહાઆરતી લાઇવ નિહાળી હતી.
નવરાત્રી મહોત્સવના સાતમાં નોરતે અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, કોંગ્રેસના મનસુખભાઇ કાલરીયા, સંજયભાઇ અજુડીયા, અતુલભાઇ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઠમાં નોરતે માતાજીની ભવ્ય મહાઆરતી બાદ આજે મેગા ફાઇનલ યોજાશે.
નવ નોરતાના સિલેક્ટ થયેલા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજી વિવિધ કેટેગરીના વિજેતા જાહેર કરવામાં આવશે.