જી.પં.સદસ્ય મુકેશ કણસાગરાએ જિલ્લા વિકાસ અધિકારી પત્ર પાઠવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
વંથલી તાલુકાના શાપુર – વાડલા ગામ જૂના રાજમાર્ગ ને જોડતા કાળવા નદી પર પુલની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ થતાં આ કામ સત્વરે શરૂ કરવા આ વિસ્તારના જી. પં. સદસ્ય મુકેશ કણસાગરાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે તેઓએ પત્રમાં જણાવ્યું છે કે શાપુર વાડલા ને જોડતા રસ્તા પર કાળવા નદી પર જિલ્લા પંચાયત ની 15 માં નાણાપંચ ની ગ્રાન્ટમાંથી પુલ બનાવવાનું કામ મંજૂર થતાં કામગીરી શરૂ કરવામાં આવેલ હતી પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જેને લઇ આપની કચેરીને તા.18-11-24 ના પત્ર થી જાણ પણ કરી હતી ત્યાર બાદ થોડા સમય માટે કામગીરી શરૂ કરી નદી પર માત્ર 2 કોલમ ઊભા કરી કામગીરી બંધ કરેલ છે તેમજ બનાવેલ ડાઇવર્ઝનનું કામ પણ અતિ નબળું કરેલ છે અને કામ પણ એસ્ટિમેન્ટ મુજબ કરવામાં આવેલ નથી જેને લઇ ખેડૂતો તેમજ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે તેમજ અહી લાખો ભાવિકોના આસ્થા સમાન ભયંકરનાથ મહાદેવનું પૌરાણિક શિવ મંદિર આવેલ છે અહી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે ત્યારે આગામી સમયમાં આ પૂલનું કામ પૂર્ણ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે.



