રાજકોટમાં બ્રિજના કોન્ટ્રાક્ટરોની કામગીરી ગોકળ ગતિએ
જડ્ડુસ ચોક પર બ્રિજનું કામ 15 જાન્યુઆરી સુધીમાં પુરૂં કરવા કમિશનરે કોન્ટ્રાકટરને સુચના આપી હતી
- Advertisement -
પ્રજાસત્તાક દિને જડ્ડુસ બ્રિજને ખુલ્લો મુકવાની તૈયારી હતી, હાલ આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એક સાથે ઘણા પ્રોજેક્ટો તૈયાર થઈ રહ્યા છે. જેમાં કેકેવી ચોક બ્રિજ, ગોંડલ ચોકડી, માધાપર ચોક અને જડ્ડુસ ચોકમાં બની રહેલા બ્રિજનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જ્યારે માર્ચ મહિનામાં મ્યુ.કમિશનર અમિત અરોરાએ સાઈટની મુલાકાત લઈ તા. 20 જાન્યુઆરી સુધીમાં જડ્ડુસ બ્રિજને તૈયાર કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. પરંતુ કેકેવી ચોક બ્રિજનું કામ અધુરું હોવાથી જડ્ડુસ બ્રિજના લોકાર્પણનું કામ પણ ટલ્લે ચડી ગયાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંત્રીઓએ પણ કેકેવી ચોક અને જડ્ડુસ બ્રિજને એકસાથે ખુલ્લો મુકવાની વાત કરી રહ્યા છે. જેના લીધે તૈયાર થયેલો જડ્ડુસ ચોકનો બ્રિજ ખુલ્લો મુકવામાં નહીં આવે. જડ્ડુસ ચોક બ્રીજનું કામ સંક્રાંતિ બાદ પૂર્ણ થાય અને પ્રજાસત્તાક પર્વ આસપાસ ખુલ્લો મુકવા તંત્રની વિચારણા હતી, પરંતુ તો કેકેવી ચોકના મલ્ટી લેવલ બ્રિજ પ્રોજેકટ સાથે જ જડ્ડુસ બ્રિજને ખુલ્લો મુકાય તેવા આગ્રહના લીધે હજ્જારો વાહનચાલકોને જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે હેરાન થવું પડશે. આ કામ પણ ઝડપભેર આગળ વધારવા તાકીદ કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટરોની અવળચંડાઈ ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે?
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સ્થળ મુલાકાત સમયે કોન્ટ્રાક્ટરોને કડક શબ્દોમાં સમયસર બ્રિજનું કામ પૂર્ણ કરી દેવા માટે સૂચના આપી હતી. છતા પણ સમયસર કામગીરી પૂર્ણ ન કરતાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલાં કેમ નથી ભરવામાં આવતા? કોન્ટ્રાક્ટરને કામગીરીમાં વધારાના કરોડો રૂપિયા શા માટે ફાળવાય છે? તે ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું કોન્ટ્રાક્ટર સાથે મનપાના સત્તાધિશોની મિલીભગત છે?