ભૂલકાંઓને આકર્ષિત કરે તેવી આંગણવાડીનું ભવન બનાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
નાના નાના ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ શરૂ કરવામાં
આવી છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા સાથે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. ત્યારે ભેંસાણ તાલુકાના માંડવા ગામ ખાતે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસના ચેરમેન લાભુબેન ગુજરાતીના હસ્તે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, તેનું વાતાવરણ નાના ભૂલકાઓને આકર્ષિત કરે છે.જૂનાગઢ જિલ્લા આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ ભેંસાણના માંડવા ગામ ખાતે આંગણવાડી પંચાયતના મકાનમાં ચાલતી હતી. આથી મનરેગા યોજના હેઠળ નવી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે.
- Advertisement -
આ સ્માર્ટ આંગણવાડી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, ભૂલકાઓ આંગણવાડી પ્રત્યે આકર્ષિત થાય આંગણવાડીની દીવાલોમાં ક, ખ, ગ, શાકભાજી, વાર અને મહિનાના નામ સહિત જ્ઞાનની વસ્તુઓના ચિત્રો કંડારવામાં આવ્યા છે, તેમજ બાળકો માટે વિવિધ જ્ઞાન સાથે ગમ્મતના રમકડા પણ આપવામાં આવ્યા છે.