આવતીકાલે ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશનો શુભારંભ રામનાથપરા મહાદેવ મંદિર ખાતેથી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 14થી તા. 22 દરમ્યાન નાના-મોટા ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવા આહ્વાન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 14થી તા.22 દરમ્યાન શહેરમાં વોર્ડ વાઈઝ આવેલ નાના મોટા ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારની ઝુંબેશના રૂપમાં સફાઈ કરવામાં આવશે તેવું મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતનાઓએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
આવતીકાલ તા. 14થી ધાર્મિક સ્થળોના સફાઈ ઝુંબેશનો શુભારંભ રામનાથપરા મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવશે. આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો, સંસદસભ્યોે, રાજકોટ મહાનગરપાલિકાની સેનિટેશન સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 7ના કોર્પોરેટરો અને હોદ્દેદારો જોડાશે. આ ઉપરાંત 1થી 18 વોર્ડમાં પણ ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ યોજાનાર છે જેમાં સ્થાનિક કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ જોડાશે.
તા. 14થી તા. 22 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂંટાયેલ સભ્યોે, ધારાસભ્યોે, સંસદસભ્યોે, મંત્રીઓ, સહકારી સંસ્થાઓના આગેવાનો, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.)ના સહયોગથી તેમજ સખીમંડળો, સ્વૈચ્છિક સંગઠનો, ભક્ત મંડળો, ગરબી મંડળો, સેવા સંઘો, ધાર્મિક સંસ્થાઓ વગેરેના સહયોગથી યાત્રાધામોના પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવરજવર થતી હોય તેવી જગ્યાઓની સ્વચ્છતા અંગેની કામગીરી, યાત્રાધામોમાં થતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવિસ્થત રીતે નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય જરૂરી સંસાધનોનું વ્યવસ્થાપનની કામગીરી, શહેરમાં આવેલ ધર્મસ્થાનોેના સમગ્ર વિસ્તારને નિયમોનુસાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બને તે રીતની અમલવારી તથા પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવા માટે વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી, ધાર્મિક સ્થળોના વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ઉત્પન્ન થતાં કચરાનો તે જ દિવસે નિશ્ર્ચિત ડમ્પિંગ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવો, ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનું વર્ગીકરણ કરી ઘન કચરો આખરી નિકાલની કામગીરી કરવામાં આવશે.