ત્રણ દિવસ માટે જુની નોટો-સિક્કા-મેડલ જેવી ચીજોનો ખજાનો ખુલશે, મુદ્રા ઇતિહાસની વિસ્તૃત માહિતની આપ-લે સાથે પ્રાચીન મુદ્રઓનું પ્રદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ન્યુમિસમેટીક એસોસીએશન દ્વારા આગામી તા. 13 થી 15 ઓક્ટો. (ત્રણ દિવસ) રાજકોટમાં રાજકોટ કોઇન ફેર-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ માટે જુની નોટો, સિક્કા, મેડલ, ઓટોગ્રાફ સહિત અનેક અલભ્ય ચીજોનો ખજાનો ખુલ્લો મુકાશે, એમ સંસ્થાના ઉત્સવ સેલારકા અને સુનિલ વાયાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. પ્રદર્શનમાં મુદ્રા ઇતિહાસની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ હશે. ઉત્સવ સેલારકાના જણાવ્યા અનુસાર રાજકોટ ન્યુમિસમેટીક એસોસીએશનની રચના બાદ રાજકોટમાં પ્રથમ વખત આ રીતે ત્રણ દિવસ માટે જુની નોટો-સિક્કા-મેડલ જેવી અલભ્ય ચીજોને એક સાથે એક સ્થળે જોઇ શકાય, તેના વિશે જાણી શકાય એ હેતુથી કોઇન્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ કાળના વિવિધ ચલણો, જે તે વખતના ચલણ વિશેનો ઇતિહાસ, સિક્કાઓ, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખાસ પ્રકારના સિક્કાઓ, દેશના ગૌરવ સમાન અમુક પ્રસંગોની યાદમાં બહાર પડેલ સિક્કાઓ વગેરે વિશે લોકોની વિસ્તૃત જાણકારી મળી શકે એ માટે પ્રદર્શન સ્થળ પર મુદ્રા ઇતિહાસના જાણકાર લોકો ઉપસ્થિત રહેશે અને મુલાકાતીને યોગ્ય જાણકારી આપશે. 1500 વર્ષ પ્રાચીન ચલણોથી લઇ આજ આઝાદીના અમૃતકાળ સુધી દેશમાં અનેક પ્રકારના ચલણ પ્રચલિત રહ્યા છે. જે તે વખતના શાસકો દ્વારા પોતાના ચલણો બહાર પાડવામાં આવ્યા છે. આઝાદી બાદ ભારત સરકાર દ્વારા વિવિધ ચલણી નોટ અને સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આપણા દેશના ચલણોનો ભવ્ય ઇતિહાસ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ઉપસ્થિત રહેશે.
સંસ્થાના સુનિલ વાયાએ પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, આ પ્રદર્શનમાં દેશ વિદેશના અનેક મહાનુભાવોના ઓટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવશે. 1936માં ઓલ્મપીકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન મેજર ધ્યાનચંદ સહિત આખી ટીમના ઓટોગ્રાફ, ગાંધીજીના ખુદના સુવિચાર, ફોટા પર તેમના હસ્તાક્ષર, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દલાઇ લામા, કિંગ વિલીયમ-4, આલ્બર્ટ આઇનસ્ટાઇન, બેનીટો મુસોલીની, ક્રિષ્ટીયાનો રોનાલ્ડો, ગોંડલના રાજા ભગવતસિંહજી, જુનાગઢના નવાબ મહોબ્બતખાન, ગાયક મહમદ રફી, મધર ટેરેસા, રામાનંદ સાગર, દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા, લતા મંગેશકર સહિત દેશ વિદેશના અનેક નામાંકિત વ્યક્તિઓના ઓરીજીનલ ઓટોગ્રાફ જોવા મળશે. ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતા ખાસ કવર, સ્ટેમ્પ, પોસ્ટ કાર્ડ વગેરે પણ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનના આયોજન માટે રાજકોટ ન્યુમિશમેટીક એસોસીએશનના ઉત્સવ સેલારકા, સુનિલ વાયા સહિતની ટીમ કાર્યરત છે.