ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 5-3-2025ના નોંધાયેલ ફરિયાદીની ફરિયાદ મુજબ ફરિયાદીને સને 2022ની સાલમાં તેના જાણીતા જયદેવભાઈ નિમાવત હસ્તક આરોપી મધુરભાઈની ઓળખાણ થયેલી, બાદમાં ફરિયાદીને આરોપી સાથે અવારનવાર ધંધા બાબતે ચર્ચા થતી. તે દરમિયાન ફરિયાદીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા માટે લાયસન્સ તથા કંડલા ખાતે યુનિટ ભાડે રાખવાની જરૂરિયાત પડતાં આરોપી સાથે આ બાબતની ચર્ચા કરેલી. આરોપી દ્વારા પોતાના જાણીતા કસ્ટમ અધિકારી દ્વારા ફરિયાદીની જરૂરિયાત મુજબ લાયસન્સ તથા યુનિટ ભાડે રખાવી દેવાની વાત કરતાં ફરિયાદીને તેના પર વિશ્ર્વાસ આવતા તે આરોપી સાથે જે રીતે આરોપીઓ કહે તે રીતે આગળ વધવા તૈયાર થયેલા અને આરોપીઓ દ્વારા અગાઉ જ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદી પાસેથી કટકે-કટકે પૂરા 1,50,60,000 અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ સાંઈઠ હજાર જેટલા રૂપિયા ઉપરોક્ત કામ કરાવી દેવાના પેટે લઈ લીધેલી અને આજદિન સુધી કોઈ કામ કરેલી નહીં કે રૂપિયા પરત નહીં કરતાં રાજકોટ ક્રાઈમ બ્રાંચની ઈ.ઓ.ડબલ્યુ. શાખા દ્વારા ફરિયાદ દાખલ થતાં આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી. જે પૈકી આરોપી મિતલબેન પટેલ દ્વારા પોતાના વકીલ હસ્તક રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી, જે અરજી અનુસંધાને વકીલ દ્વારા વિવિધ દલીલો કરેલી જેવી કે અરજદાર એક ગૃહિણી છે, સીંગલ માતા છે, પોતાના એકમાત્ર પુત્રની જવાબદારી તેના પર હોય અને ખાલી માત્ર તેના ખાતામાં પૈસા આવી જવાથી તેણીને આરોપી બનાવી શકાય નહીં અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ રજૂ કરેલા હતા. ઉપરોક્ત જામીન અરજી અનુસંધાને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલની રજૂઆતો ધ્યાને લેતાં આરોપી મિતલબેનની જામીન અરજી ચાર્જશીટ પહેલાં મંજૂર કરવાનો હુકમ કરેલો છે.
- Advertisement -
ઉપરોક્ત કામમાં આરોપી મિતલબેન વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઈઝાનભાઈ સમા તથા અંકીતભાઈ ભટ્ટ તથા રહીમભાઈ હેરંજા રોકાયેલા હતા.