દેશમાં અત્યારે 15થી 17 વર્ષની ઉંમરનાં બાળકોને વેક્સિન અપાઈ રહી છે. દેશમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેરે કોહરામ મચાવ્યો છે, ત્યારે બાળકોને રસી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દેશમાં જેમ- જેમ કોરોના અને ઓમિક્રોનના નવા કેસ વધી રહ્યા છે, તેમ- તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા વધારી દીધી છે. દેશમાં અત્યારે 15થી 18 વર્ષના સગીરોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. આ દરમિયાન વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે.
- Advertisement -
નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપના ચેરમેન ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું કે, માર્ચથી 12થી 14 વર્ષનાં બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં 15થી 17 વર્ષનાં ત્રણ કરોડથી વધારે સગીરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.
અત્યાર સુધી 15-17 વર્ષના 45% બાળકોને અપાયો વેક્સિનનો પહેલો ડોઝ
સારી વાત એ છે કે, ભારતમાં માત્ર 13 જ દિવસમાં 3 કરોડ સગીરોએ કોરોના વિરુદ્ધ વેક્સિન લઈ લીધી છે. ડૉ. અરોરાએ જણાવ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં 15થી 17 વર્ષનાં 7.4 કરોડ સગીરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોનું શરૂ કરાશે વેક્સિનેશન
ડો. અરોરાએ આગળ જણાવ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતથી આ બાળકોને બીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે, અને મહિનાના અંત સુધીમાં બધાને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાશે. ત્યારબાદ અમે 12-14 વર્ષનાં બાળકોને ફેબ્રુઆરી અંતમાં અથવા માર્ચની શરૂઆતથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરીશું. ભારતમાં સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા સિનિયર સિટિઝન અને ફ્રન્ટલાઈન વોરિયર્સને ગત તા. 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને જે પાંચ રાજ્યમાં મતદાન થવાનું છે, તેઓ તેમના કર્મીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલા સામેલ કરાયા છે.
- Advertisement -
સરકાર માટે ટીનેજર્સને પ્રાથમિકતા
ડો. અરોરાના જણાવ્યા પ્રમાણે, 12-17 વર્ષની ઉંમરના સગીરોનું શરીર લગભગ વયસ્ક જેવું થઈ ગયું હોય છે. ટીનેજર્સ ખૂબ ગતિશીલ હોય છે. તેઓ સ્કૂલ કોલેજમાં એકબીજાને વધારે હળતા મળતા રહે છે. તેથી તેમનામાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તેથી આ સંજોગોમાં તેમને ઝડપથી વેક્સિનેશન આપવામાં આવે તે જરૂરી છે.
ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રમોદ જોગનું કહેવું છે કે, સરકારને કોઈ બીમારીથી પીડિત 5-14 વર્ષના બાળકોને પણ વેક્સિનેશનના વર્ગમાં લાવવા જોઈએ.
કોવેક્સિનને બાળકો માટે મળી ઈમરજન્સી અપ્રુવલ
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનને ભારત સરકારે 2થી 17 વર્ષના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ વેક્સિન બાળકો માટે કરવામાં આવેલી ટ્રાયલમાં સુરક્ષિત નોંધાઈ છે.
વેક્સિનેશન અભિયાનને એક વર્ષ પૂર્ણ
દેશમાં શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન અભિયાનને ગઈકાલે એક વર્ષ પૂરુ થયું છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વેક્સિનના 156 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપીને વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં વેક્સિનેશન અભિયાન વધારવા માટે સરકારને ખૂબ મહેનત કરવી પડી છે.