– રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું ચૂંટણીની તરફેણમાં છું

2014થી સતત રાષ્ટ્રીય કક્ષાએ પરાજયનો સામનો કરી રહેલા કોંગ્રેસ પક્ષને હવે 2024ની ચૂંટણી તેના ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે છે અને તે પુર્વે હવે કોંગ્રેસમાં લાંબા સમય બાદ બિનગાંધી રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ હવે રાષ્ટ્રીય કારોબારીની ચૂંટણી યોજાશે કે કેમ તે અંગે પ્રશ્ન છે.

આજથી રાયપુરમાં કોંગ્રેસનું મહાઅધિવેશનનો પ્રારંભ થનાર છે. તે સમયે રાષ્ટ્રીય કારોબારીની ચૂંટણી યોજવી કે કેમ તે અહમ બેઠકમાં ગાંધી પરિવારના કોઈ સભ્યો હાજર રહેશે કે કેમ તે પણ પ્રશ્ન છે. જો કે અગાઉથી મળેલા સંકેત મુજબ કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પુર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ તથા પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ચૂંટણી લડયા વગર જ સ્થાન અપાશે.

જયારે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડીને પછી રાષ્ટ્રીય કારોબારીમાં આવશે. પક્ષના વરિષ્ઠ નેતા તથા મિડીયા ઈન્ચાર્જ જયરામ રમેશે કહ્યું કે પક્ષ રાષ્ટ્રીય કારોબારીની ચૂંટણી માટે તૈયાર છે અને જો પક્ષ નિર્ણય લેશે તો ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ કરવાની તૈયારી છે.

જો કે ચાલુ વર્ષે રાજસ્થાન, આંધ્રપ્રદેશ કર્ણાટક સહિતના મહત્વના રાજયોની ચૂંટણી છે તેથી પક્ષ હાલ આંતરિક ચૂંટણી યોજશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે તો આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે તેથી કોંગ્રેસ માટે આ નિર્ણય અઘરો છે.