PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર વરૂણકુમારનું જીવન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત સમાન

ખાસ-ખબર સંવાદદાતા
જીવનમાં અનેક સુખ-સુવિધા અને અભ્યાસ માટેની તમામ ભૌતિક સગવડો વચ્ચે પણ સફળતા ન મેળવનાર આજના યુવાને પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલનું સંઘર્ષપૂર્ણ જીવન પ્રેરણારૂપ છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ વાતનો પર્યાય એટલે વરૂણકુમાર, ખાસ-ખબર સાથેની ખાસ વાતચિતમાં વરૂણકુમારે પોતાની શૂન્યમાંથી સર્જન કરી આઈએએસ બનવાની સફરને વર્ણવતા કહ્યું કે, મારી પાસે એક સમયે અભ્યાસ કરવા માટે પણ પૂરતા પૈસા ન હતા, છતાંય હિંમત હાર્યા વગર સાયકલ રિપેરિંગનું કામ પણ કરીને અભ્યાસની યાત્રા જારી રાખી અને આઈએએસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.

વરૂણકુમારના જીવન-સંઘર્ષ ઉપર નજર નાખીએ તો મહારાષ્ટ્રના બોઈસર વિસ્તારના થાણેના રહેવાસી વરૂણકુમારે વર્ષ 2013માં સિવિલ સર્વિસ પરીક્ષામાં 32મો રેન્ક મેળવ્યો હતો. વરૂણકુમારના જીવનમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવી ત્યારે તેણે હાર ન માની પરંતુ તેની સામે મક્કમતાથી લડ્યા. પરિણામે દરેક સમસ્યાનો ઉકેલ મળી ગયો અને આજે તેઓ આ પોસ્ટ પર ફરજ બજાવે છે.

અન્ના હઝારેનાં આંદોલને જીવનનો ધ્યેય બદલાયો
જીવનના અનેક ચડાવ-ઉતારને નજદીકથી અનુભવનાર વરૂણકુમાર બરનવાલ પોતાના જીવનનાં ટર્નિંગ પોઈન્ટ બાબતે ખાસ-ખબરને જણાવે છે કે, ધો.10ની પરિક્ષા બાદ તુરંત જ પિતાનું નિધન થતાં આર્થિક ઉપાર્જન અને ભણવા માટેનો સંઘર્ષ જીવનની વાસ્તવિકતાને શીખવી ગયો. બાદમાં પુણેની એમટીટી કોલેજમાં પ્રવેશ, હોસ્ટેલ લાઈફ, નવું વાતાવરણ પણ જીવન ઘડતરમાં મહત્ત્વના સાબિત થયા પણ સૌથી વધારે પ્રભાવ 2011ના અન્ના હઝારેનાં આંદોલનથી આવ્યો. આ આંદોલન થકી મનમાં નિશ્ર્ચય કર્યો કે દેશ માટે કંઈક કરવું અને આ ઉચ્ચ ભાવનાએ આઈએએસ સુધીની સફરને સફળ બનાવી.

કોઈ પણ ક્ષેત્રમાં મોનોપોલી નકામી: હરિફાઈ થકી જ ઉત્તમ પરિણામ આવે

વરૂણકુમાર બરનવાલના જીવનમાં પહેલો પડકાર તેની 10મી પરીક્ષા પૂરી થયાના ત્રણ દિવસ પછી આવ્યો, જ્યારે તેના પિતાનું અવસાન થયું. વરૂણકુમારના પિતા સાઈકલ રિપેર કરવાની દુકાન ચલાવતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ બહુ ખાસ ન હતી, જે થોડા પૈસા જમા હતા તે પિતાની સારવારમાં ખલાસ થઈ ગયા.
આવી સ્થિતિમાં ઘર ચલાવવા માટે દુકાન ચાલુ રાખવાનું નક્કી થયું હતું, પરંતુ આ સાથે પ્રશ્ન એ પણ ઊભો થયો કે દુકાન પર કોણ બેસશે. ત્યારે મેં નક્કી કર્યું છે કે પિતાની દુકાન પર બેસીને તેના પરિવારનું ધ્યાન રાખીશ. આ દરમિયાન તેનું 10માનું પરિણામ આવ્યું, જેમાં તેણે ટોપ કર્યું હતું.


ટોપ થયા પછી તેની માતાએ તેને ભણવાનું ચાલુ રાખવા કહ્યું અને દુકાનની જવાબદારી પોતે સંભાળી લીધી, પરંતુ મુસીબત હજુ પણ સમાપ્ત થઈ નથી. જ્યારે તે 11મા ધોરણમાં એડમિશન લેવા ગયો ત્યારે તેને ખબર પડી કે એડમિશન માટે મોટી રકમની જરૂર છે, જે તેની પાસે નથી. યેનકેન રીતે આ રકમની વ્યવસ્થા તો થઈ પણ 11મા અને 12માના અભ્યાસનો સમય તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. કારણ કે આ દિવસોમાં તે સવારે શાળાએ જતા. શાળાએથી આવીને ટ્યુશન ભણાવતો, પછી રાત્રે દુકાનનો હિસાબ જોઈને સૂઈ જતો. આ દરમિયાન શાળાની ફી ચૂકવવી પણ મુશ્કેલ હતી. ત્યારે તેની બહેન પણ તેને ટેકો આપવા માટે ટ્યુશન શીખવતી હતી.

ભારત દેશનું ભાવિ ઉજ્જવળ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દેશમાં થઈ રહી છે ત્યારે દેશના ભવિષ્ય બાબતે ખાસ-ખબરને વરૂણકુમારે જણાવ્યું હતું કે, 75 વર્ષ બાદ દેશે તમામ ક્ષેત્રમાં નોંધનીય પ્રગતિ કરી છે. વિશ્ર્વ આજે ભારત સામે ગૌરવની લાગણીથી જુએ છે. ભારતની સાથે કે બાદમાં આઝાદ થયેલાં અન્ય દેશોની સરખામણીમાં ભારતની આજે વિશ્ર્વ સમક્ષ આગવી ઓળખ છે. હા, દેશમાં ઘણા પ્રશ્ર્નો છે. આઝાદી બાદ પણ રજવાડાઓના એકીકરણ સહિતના અનેક પડકારો હતા. છતાંય દરેક પડકારને તકમાં બદલીને દેશે. અવિરત પ્રગતિ કરી ચે અને આગામી વર્ષોમાં દેશ વિકસિત દેશોની હરોળમાં ગર્વભેર બેસી શકશે તેમાં કોઈ શક નથી.

12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની મહેચ્છા
ભારતમાં ક્યા સ્થળે ફરવા જવાનું પસંદ કરો એવા ખાસ-ખબરના સવાલમાં વરૂણકુમારે જણાવ્યું હતું કે, મિત્રો સાથે 12 જ્યોતિર્લિંગના દર્શનનો પ્લાન બનાવેલો પરંતુ હજુ સુધી 50 ટકા જ સફળ થયા છીએ. આ ઉપરાંત નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં ફરવા જવાનું પસંદ કરતા વરૂણકુમાર ભીડભાડવાળી નહીં પરંતુ એકાંત મળી રહે અને પ્રકૃતિથી વધારે નજીક રહી શકાય તેવા સ્થળોએ જવાનું વધુ પસંદ કરે છે.

સાળંગપુર કષ્ટભંજનદેવ ઉપર અનેરી શ્રદ્ધા
ઈશ્ર્વરને સાકાર સ્વરૂપ કરતા નિરાકાર સ્વરૂપમાં વિશેષ માનતા વરૂણકુમાર બરનવાલ માટે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે. ખાસ-ખબર સાથેની વાતચિતમાં તેઓએ જણાવ્યું કે નાનપણમાં પિતાજી સાથે વિવિધ મંદિરોના દર્શનાર્થે જતા. ઈશ્ર્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. ભગવાનના અસ્તિત્વનો પૂર્ણપણે સ્વીકાર કરૂં છું. પરંતુ નિરાકાર સ્વરૂપમાં ભગવાનને ભજવાનું પસંદ કરૂં છું.

પિતાનું અવસાન, અભ્યાસ માટે પૈસા ન હતા, સતત પરિશ્રમ કરી IAS બન્યા

કામ નહીં, કામ પ્રત્યેનો દૃષ્ટિકોણ જ સફળતા અપાવે – વરૂણ કુમાર

વરૂણકુમાર ડોક્ટર બનવા માંગતો હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના માટે ઘણા પૈસાની જરૂર છે તો તે એન્જિનિયરિંગ તરફ વળ્યો. વડીલોપાર્જિત જમીન વેચ્યા બાદ પ્રથમ વર્ષની ફી ચૂકવવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે તે પ્રથમ વર્ષમાં ટોપ આવ્યો ત્યારે તેને સ્કોલરશિપ મળી. વરૂણકુમારે સિવિલ સર્વિસની તૈયારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પરિવારે તેમના નિર્ણયને ટેકો આપ્યો. પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પુસ્તક ખરીદવા માટે પૈસાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. છતાંય પૂરી તાકાતથી તૈયારી કરી અને દરેકની મદદની કિંમત ચૂકવીને સિવિલ સર્વિસમાં સફળતા મેળવી. આ દિવસોમાં તેઓ પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની સફરની કહાની પણ સ્ટીલ મંત્રાલયે એક ફિલ્મ દ્વારા દર્શાવી છે.


ખાસ-ખબર સાથેની વાતચિતમાં વરૂણકુમાર બરનવાલે જીવનનું સનાતન સત્ય સમજાવતાં જણાવેલું કે, કાયમ આપણને ગમે તેવી ઘટના બનતી નથી, અને આવું બને તો જીવનમાં મજા પણ ન આવે. બંન્ને પાસા હોવા જરૂરી છે. નોકરીમાં પણ કામને માત્ર કરવા ખાતર જ કામ કરવાની માનસિકતાને બદલે કામને ગમતી પ્રવૃત્તિ સ્વરૂપે સ્વીકારીને પૂરા ખંત સાથે કરવામાં આવે તો નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચી શકાય અને આવા અભિગમના કારણે જ વરૂણકુમારને તેમના જીવનથી પૂર્ણ સંતોષ છે. જીવનમાં આવતા દરેક સંઘર્ષને સહર્ષ સ્વીકારીને સંઘર્ષ બાદની સફળતાને માણવાની તેમની વાત અન્ય લોકો માટે અનુકરણીય છે.

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર એવા વરૂણકુમાર વ્યક્તિગત રીતે કોઈ કંપનીની મોનોપોલીની વાતને સ્વીકારતા નથી, તેઓ કહે છે કે, હરિફાઈ હોવી જ જોઈએ જેમ હરિફાઈ વધારે તેમ લોકોને વધુ સારી સુવિધા અને ચોઈસ પણ મળે, હરિફાઈના યુગમાં ટકી રહેવા માટે વધારે સારૂં આપવાનો સતત પ્રયાસ અનિવાર્ય છે.

વાંચન વરૂણકુમારની ગમતી પ્રવૃત્તિ
ઓફિસની સતત દોડધામવાળી કામગીરી વચ્ચે પણ વરૂણકુમારે તેમના વાંચન શોખને જાળવી રાખ્યો છે. જ્યારે પણ ફ્રિ સમય મળે ત્યારે તેમની પોતાની વસાવેલી લાઈબ્રેરીમાંથી વિવિધ વિષયોને સ્પર્શતા પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. ખાસ કરીને આઝાદી બાદના ભારતમાં રાજકીય, સામાજીક, બંધારણીય બાબતોને લગતા પુસ્તકો તેમના પ્રિય છે. ખાસ-ખબર સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું કે, આજે મોદીજીની મન કી બાત કાર્યક્રમ જાણીતો છે. તેવી જ રીતે જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન હતા ત્યારે તેઓ પખવાડિયે તે સમયના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય રાજકીય અગ્રણીઓને પત્ર લખતા. આ પત્રોને 20 વોલ્યુમમાં પ્રગટ કરવામાં આવ્યા છે જે વાંચવાલાયક છે. આ ઉપરાંત માઉન્ટબેટનની મુલાકાતનું પુસ્તક પણ ઉત્તમ છે. પુસ્તકોને વાંચવા માટે તેમનો આગવો અભિગમ છે. તેઓ કહે છે કે, કોઈપણ પુસ્તકને માત્ર વાંચવા ખાતર ન વાંચવું જોઈએ, પુસ્તકને પ્રશ્ર્ન પૂછો, જવાબ મેળવવાનો પ્રયાસ કરો, કોઈ એક જ વાત અલગ-અલગ પુસ્તકમાં ક્યા એન્ગલથી મૂકવામાં આવી છે તે સમજો અને પછી જ તે વાતને સ્વીકારો. તેઓએ દરેક વ્યક્તિએ વિક્ટર ફેન્કલના પુસ્તક મેન સર્ચ ફોર મિનિંગને વાંચવા ભલામણ પણ કરી. આ પુસ્તકનો તેમના જીવન ઉપર પણ ખાસ્સો પ્રભાવ હોવાનું જણાવ્યું હતું. ફ્રિ સમયમાં પરિવાર સાથે ટી.વી. સિરિયલો પણ તેઓ નિહાળી લ્યે છે.