ખેલમહાકુંભ હેઠળ ચાર ઝોનની 8 ટીમો વચ્ચે ટક્કર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની અંડર-14,17 અને ઓપન એઈજ હેન્ડ બોલ સ્પર્ધાને મેયર ગીતાબેન પરમારના હસ્તે ટોસ ઉછાળી ખુલ્લી મુકવામાં આવી હતી. 11માં ખેલમહાકુંભ હેઠળની આ સ્પર્ધામાં તા.27 મે સુધી ચાર ઝોનની 8 ટીમો વચ્ચે વિજેતા બનવા માટે રમશે.
- Advertisement -
જૂનાગઢ શહેરના ભાગોળે આવેલા વિદ્યા સંકુલમાં પ્રારંભ થયેલી આ સ્પર્ધાના પ્રસંગે મેયર ગીતાબેન પરમારે રમતવીરોનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે, રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિ અને ખેલ મહાકુંભ જેવા પ્રકલ્પથી વિદ્યાર્થી યુવાનોની પ્રતિભા બહાર આવી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વના કારણે રાજ્યમાં રમતગમત માટે એક અલગ વાતાવરણનું નિર્માણ થયું છે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સૌ કોઈ ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહ્યા છે.
સ્પોર્ટ્સ કોર્ટ ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા સંચાલિત રાજ્યકક્ષાની આ હેન્ડબોલ સ્પર્ધામાં પૂર્વ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રથમ અને દ્વિતીય વિજેતા ટીમો ત્રણ વયજૂથમાં ભાઈઓની બે-બે ટીમો ભાગ લઇ રહી છે. આ સ્પર્ધામાં આશરે 300 જેટલા ખેલાડીઓ પાંચ દિવસ સુધી ભાગ લેશે. આ પ્રસંગે ડે.મેયર ગીરીશભાઇ કોટેચા,જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેએ આભારવિધિ કરી હતી.