જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિને અપીલ !
અગાઉના સિલ્વર- બ્રોન્ઝ મેડલ હજુ આપવાની બાકી છે ત્યારે દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરમાં યોજાવાનો હોવાથી રજૂઆત કરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.5ના યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાવાનો છે.પરંતુ બે વર્ષ પહેલા યોજાઈ ચુકેલા પ્રથમ પદવીદાન સમારોહના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ હજુ સુધી યુનિવર્સિટીએ આપ્યા નથી તેથી નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને એવી અપીલ કરવામાં આવી છે કે,પોરબંદર આવો ત્યારે પોરબંદર સહિત સોરઠના તેજસ્વી વિદ્યાર્થીઓના બબ્બે વર્ષથી નહીં અપાયેલા મેડલ પણ લેતા આવજો! જુનાગઢ,ગીર-સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા વગેરે જિલ્લાઓની કોલેજોને સાંકળતી ભક્તકવિ નરસિહ મહેતા યુનીવર્સિટીની સ્થાપના જુનાગઢ ખાતે ઈ.સ 2015માં કરવામાં આવી હતી.
જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સિટીના નિર્માણના 6 વર્ષ પછી જુલાઈ 2021માં પ્રથમ પદવીદાન સમારોહમાં જુદી-જુદી ફેકલ્ટીના 100થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને તે વખતે એવી જાહેરાત થઇ હતી કે, સિલ્વર-બ્રોન્ઝમેડલ વિદ્યાર્થીઓને ઘર બેઠા મળી જશે. પરંતુ આ કાર્યક્રમને બે વર્ષ થવા આવ્યા હોવા છતાં પણ માત્ર ડીગ્રી સર્ટીફીકેટ જ અપાયા છે, તેજસ્વી છાત્રોને હજુ સુધી મેડલ અપાયા નથી તેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોરબંદરના તેજસ્વી વિદ્યાર્થીઓ મેડલ મળશે તેની રાહ જોઈ રહ્યા છે.