બહુ મોડું કર્યું, કૃષ્ણ સમો ધર્મપુરુષ મળવો અસંભવ છે, કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે, એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે, એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.
કૃષ્ણ અદભુત છે. પૂર્ણ પુરુષોત્તમ છે.
કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે
કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે
કૃષ્ણનું દરેક રૂપ મનમોહક છે.
બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતાં નથી
યશોદા માતા માટે એ વ્હાલસોયો, નટખટ, શરારતી મીઠડો બાળક છે. જેને દોરડા વડે બાંધી શકાય છે. વૃંદાવનની ગોવાળણો માટે એ છાને પગલે ઘરમાં ઘુસી જતો મટકીફોડ માખણચોર છે. ગોપીઓ માટે એ અપ્રતિમ રૂપમધુરો અને મધુરા અઘરો વડે બાંસુરીની ધૂન રેલાવી સાનભાન ભુલાવી દે તેવી ત્રિભુવન મોહિની પાથરતો કહાન છે.ગાયો અને ગોપબાળો માટે એ ગોવર્ધનધારી રક્ષક ભેરૂબંધ છે.કંસ અને કાલીનાગ માટે એ કાળ છે.રાધા માટે એ યુગોયુગોનો પ્રીતમ છે.અર્જુન અને દ્રૌપદી માટે એ આત્મીય સખો છે.કૃષ્ણ કોમળ છે તો વજ્ર જેવા મજબૂત પણ છે.કૃષ્ણ સાક્ષાત પ્રેમ છે,કરુણાનો સાગર છે પણ જરૂર પડે તો કઠોર પણ બની શકે છે,વધ પણ કરી શકે છે.કૃષ્ણને કોઈ કાળમાં બાંધી ન શકાય,કૃષ્ણની વ્યાખ્યા ન થઈ શકે. કૃષ્ણને કોઈ ઢાંચામાં ઢાળી ન શકાય.કૃષ્ણ અનંત છે.અનંતને કોઈ વર્તુળમાં કેદ ન કરી શકાય.
- Advertisement -
કૃષ્ણ અકળ છે. દોરડે બાંધનાર માતા યશોદાને એ બ્રહ્માંડ દર્શન કરાવે છે અને યુદ્ધના મેદાનમાં વિષાદગ્રસ્ત અર્જુનને વિરાટ દર્શન કરાવી ગીતાનો ઉપદેશ પણ આપે છે. બધા અંતિમો જાણે કે કૃષ્ણમાં સમાઈ ગયા છે. દ્રૌપદીના ચીર પૂરતા કે બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતા નથી. ગોપીઓ સાથે રાસક્રીડા કરતો નિર્દોષ બાલકૃષ્ણ મુષ્ટિપ્રહાર વડે મામા કંસને મારવામાં ખચકાટ અનુભવતો નથી.
કૃષ્ણએ કેટકેટલી ભૂમિકાઓ નિભાવી.એ વિષ્ટીકાર પણ બન્યા,એ સંધિવિગ્રાહક પણ બન્યા,સ્વયં પરમ પુરુષોત્તમ હોવા છતાં અર્જુનના સારથી બન્યા અને છેવટે મહાવીનાશ વેરનાર મહાભારતના યુદ્ધનું કારણ પણ એ જ બન્યા.
કૃષ્ણનું ચરિત્ર એવું છે કે એમના વિશે કોઈ આગાહી ન થઈ શકે.એ ક્યારે શું કરશે એ કોઈ જાણી ન શકે.પણ કૃષ્ણ કહે અને કૃષ્ણ કરે એ જ સત્ય હોય એ પણ એટલું જ સાચું.
કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે. એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે. એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે. આનંદ છે તો વિપદા પણ છે.મિલન પણ છે અને વિરહ પણ છે.મનુષ્ય અવતાર ધરીને સાક્ષાત ઈશ્વર પણ પૃથ્વીના પટ ઉપર જન્મ લે તો તેમને પણ આ બધા સુખ દુ:ખ ભોગવવા પડે એ બોધ કૃષ્ણનું જીવનચરિત્ર આપે છે.અને નિષ્કામ કર્મ દ્વારા નિસ્પૃહી બની એ જીવન કેવી રીતે જીવાય એ બોધ પણ એમના જીવનચરિત્રમાંથી જ મળે છે.
માણસ માત્ર સુખની અભિલાષા રાખે છે અને દુ:ખથી દૂર ભગવાનો પ્રયત્ન કરે છે.પણ કૃષ્ણ જેવા કૃષ્ણના જીવનમાં કેવી પીડા હતી, કેવી વ્યથા હતી અને કૃષ્ણએ એ ભોગવવી પણ પડી એ એમના જીવનના કેટલાક પ્રસંગો ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે.
- Advertisement -
અખિલ બ્રહ્માંડના સ્વામી એવા કૃષ્ણનો જન્મ થયો કારાવાસમાં.જન્મતાની સાથે જ એમના પર મૃત્યુનો ભય હતો.એમના જન્મ સમયે ન શરણાઈ વાગી, ન મીઠાઈ વહેંચાઈ. જન્મની સાથે જ એમનું પરિભ્રમણ શરૂ થઈ ગયું હતું.માતા દેવકી મનભરીને એને નિહાળે,છાતી સરસો ચાંપીને દુગ્ધપાન કરાવે કે વ્હાલભર્યા ચુંબનો ચોડે, વાસુદેવ આ ઘનશ્યામવર્ણી અદભુત પુત્રને ખોળામાં લઇને એના મસ્તક પર વહાલભર્યો હાથ પ્રસારે એ પહેલાંતો એક ટોપલામાં મૂકી આ નવજાત શીશુને લઈ ને ચાલતાં થવું પડ્યું. કાજળઘેરી રાત હતી. બે કાંઠે વહેતી યમુના નદી અને આકાશમાંથી વરસતી અનરાધાર વર્ષાની ભયાનકતા વચ્ચે બાળકૃષ્ણને જન્મદાતા જનેતા અને પિતાથી વિખૂટા પડવું પડ્યું. કૃષ્ણનું મૃત્યુ પણ કેવું હૃદયવિદારક છે? મથુરા વૃંદાવન છોડીને વસાવેલી સોનાની દ્વારકામાં એમના જ વંશના યાદવો વચ્ચે યાદવસ્થળી સર્જાઈ. નજર સામે સમાજ પરિવારનું પતન નિહાળ્યું …
અને છેલ્લે સોમનાથ નજીક પ્રયાગમાં પીપળાના એક વૃક્ષ નીચે એક ધનુર્ધારીના તીરથી વીંધાઈને પ્રાણ ત્યાગે છે ત્યારે સાવ એકલા અટૂલા ભાસે છે. કૃષ્ણએ માનવ જાતિ માટે અમોઘ સંદેશો આપ્યો કે …વધુ વાંચવા અહીં ક્લિક કરો
અમર્યાદ સતા, ધન અને વ્યસનો વિનાશ નોતરે છે અને એ વિનાશને સાક્ષાત ઈશ્વર પણ રોકી શકતાં નથી.
કૃષ્ણએ જીવનને સમગ્રપણે સ્વીકાર્યું છે. તેમના જેવું સાહજીક અને નેયસરગિક પાત્ર શોધ્યું જડે તેમ નથી. કૃષ્ણ સમો ધર્મપુરુષ પણ મળવો અસંભવ છે.”યતો કૃષ્ણ સ્તતો જય”.કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય,ધર્મ હોય ત્યાં વિજય હોય.મહાભારતના યુદ્ધ પહેલાં દુર્યોધન કૃષ્ણ પાસે તેમની સેના માંગે છે.અર્જુન એકલા કૃષ્ણને માંગે છે.કારણ કૃષ્ણ પરમ ધર્મ છે.અને અંતે તો ધર્મનો જ જય થાય છે.
મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું.અધર્મને સહેલાઈથી હરાવી શકાતો નથી.ક્યારેક તો તે ધર્મથી પણ વધુ શક્તિશાળી દીસે છે.પણ યોગેશ્વર કૃષ્ણ જ્યારે ધર્મરથના સારથી હોય ત્યારે ધર્મનો પરાજય સંભવ નથી.કૃષ્ણ યુદ્ધખોર નથી.પણ સાથેજ ડરનાર પલાયનવાદી પણ નથી.અર્ધા રાજ્યને બદલે પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી દુર્યોધને ન સ્વીકારી ત્યારે એ ક્ષણેજ તેઓ યુદ્ધની ઘોષણા કરી શકે છે અને સારથી બનીને પાંડવોને વિજય પણ અપાવે છે.
મહાભારતના કૃષ્ણ અત્યારે સહુથી વધુ પ્રસ્તુત છે.અધર્મને હણવાની લડાઈ કેવી રીતે લડાય તે કૃષ્ણએ શીખવ્યું છે.કૃષ્ણ વેદિયા કે વેવલા નથી.કૃષ્ણ વ્યવહારુ છે ધર્મની પુન:સ્થાપના માટે શસ્ત્રો ન ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા પણ તેઓ તોડે છે.ભીષ્મને નિષ્ક્રિય કરવા શિખંડીને આગળ ધરવાની કૂટનીતિ પણ કૃષ્ણ અજમાવે છે.કર્ણના રથનું પેઇડું જમીનમાં ખૂંપી જાય છે ત્યારે જ વાર કરવા માટે અર્જુનને ઉશ્કેરે પણ છે.દ્રોણને નાસીપાસ કરવા માટે “અશ્વસ્તથામા મર્યો” એવું દ્વિઅર્થી વાક્ય બોલવા ધર્મરાજા યુધિષ્ઠિરને મજબૂર કરવામાં પણ તેમને સંકોચ નથી થતો.અને ગદાયુદ્ધમાં માહીર દુર્યોધનને પરાસ્ત કરવા એની જાંઘ પર પ્રહાર કરવાનો ભીમને ઈશારો પણ કરે છે.અધર્મને હણવા અને ધર્મની સ્થાપના કરવા માટે ધર્મના પરંપરાગત સિદ્ધાંતોને ઉવેખીને અધર્મનો આશરો લેવામાં પણ કૃષ્ણ પાપ નથી સમજતા.
કૃષ્ણના દરેક રૂપ મધુર છે.દરેક રૂપમાં કૃષ્ણ સંપૂર્ણ છે. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ આજના યુગમાં વૃંદાવનવિહારી બંસીધારી કૃષ્ણનું મનન કરવાથી કાંઈ નહીં વળે. આજે જરૂર છે કુરુક્ષેત્રના મેદાનમાં ચક્ર ધરી સિંહનાદ કરતાં કૃષ્ણની.
કુરુક્ષેત્ર દરેક યુગમાં રચાતું રહે છે.અધર્મ અત્યારે ધર્મ પર હાવી થઈ રહ્યો છે.નેતાઓ રાજધર્મ ભૂલી ગયા છે.પ્રજા નમાલી અમે માયકાંગલી થઈ ગઈ છે.ભ્રષ્ટાચારે ભરડો લીધો છે.ગરીબો,પીડિતો અને શોષીતોની પીડાની કોઈને પડી નથી.ન્યાયની દેવી સાચા અર્થમાં આંધળી બહેરી થઈ ગઈ છે.અસત્યની બોલબાલા છે.ધર્મના નામે ધતિંગ ચાલે છે.સમાજ ધર્મના નામે,જ્ઞાતિના નામે,પ્રાંતના નામે છિન્નભિન્ન થવા લાગ્યો છે.ચીન આપણા સન્માન પર ઘા કરે છે.મગતરાં જેવા પાકિસ્તાન અને નેપાળ દરરોજ ઉંબાડીયા કરે છે.ચોમેર અજંપો છે.પ્રજા જાણે કે વિષાદ યોગથી પીડાઈ રહી છે ત્યારે આજે ખપ છે કુરુક્ષેત્રમાં પંચજન્યનો નાદ કરનારા મહાપ્રતાપી કૃષ્ણની.આજે જરૂર છે યોગેશ્વર તમારી સહુથી વધારે. કૃષ્ણને એટલી જ પ્રાર્થના કે પ્રભુ!બહુ મોડું થયું,હવે જલ્દી પધારો..