ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે સરદારસિંહ રાણા (કે.સી.સી ગ્રાઉન્ડ) ખાતે એન.સી.સી. કેડેટ્સ અને સામાન્ય નાગરિકો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટેની સિવિક ડિફેન્સની સમજ આપતી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં ’એકતા અને અનુશાસન’ના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે નેશનલ કેડેટ્સ કોપ્ર્સ. કેડેટ્સ જવાબદાર નાગરિક, નિયમ પાલન અને રાષ્ટ્ર ધર્મ સાથે સેના અને સમાજને જોડતી કડી છે. કેડેટ્સમાં એકતા, અનુશાસન અને લીડરશીપના ગુણોની કેળવણી સાથે વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સંકલન અને કામગીરીથી માહિતગાર થાય તે માટે સિવિક ડિફેન્સની સમજ આપતી તાલિમ યોજાઈ હતી.
આ તાલિમ પ્રવૃત્તિમાં મિસાઇલ હૂમલા અથવા હવાઈ હૂમલા જેવા સંજોગો દરમિયાન ઉપસ્થિત સર્વે કેડેટ્સ તેમજ નાગરિકોને ક્રાઉલિંગ (સૂઈ જવું), સાંકડી અને ઓછામાં ઓછી જગ્યા હોય તો બચવા માટે કૂકડૂક સ્ટાઈલ, ફાયરમેન લિફ્ટ, વધુ વજન ધરાવનાર વ્યક્તિઓને ઊંચકવા ટૂ-મેન લિફ્ટ, ઈમર્જન્સી કોલ એક્ટિવ કરવા સહિત તાત્કાલિક સ્થિતિમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવા માટે શું કરવું અને શું ન કરવું તેની સમજ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન (સી.પી.આર) અંતર્ગત ચેસ્ટ કમ્પ્રેસન, શ્વાસ કેવી રીતે આપવો? જેવી જીવ બચાવનારી પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરાયા હતાં. ફાયર વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં સ્થળ પર પહોંચી આગ કેવી રીતે બૂઝાવી શકાય તે અંગે ‘મોનિટર દ્વારા ફાયર ફાઈટિંગ’ તાદ્રશ્ય કરાયું હતું.
- Advertisement -
ઈમર્જન્સી રેસ્ક્યૂ વાનના માધ્યમથી ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક કટર, રેમજેક, મલ્ટીટૂલ, લિફ્ટિંગ એરબેગ્ઝ, વોટર રેસ્ક્યૂ સામાન સહિત કુદરતી અને માનવસર્જીત આપદાઓમાં કામ લાગતાં અને નાગરિકોના જીવ બચાવવામાં સહાયરૂપ થતાં સાધનોનું પ્રદર્શન પણ નાગરિકોએ નિહાળ્યું હતું.