-નેપોલિયન હિલમાતા-પિતાનો સાથ હોય તો સંતાન ખીલે
તા. 15મી જુન, 1998ના રોજ રાજકોટમાં રહેતા જયેશભાઇ ઠક્કર અને હિનાબેન ઠક્કરને ત્યાં અધુરા મહિને એક બાળકનો જન્મ થયો. લગભગ સવા સાત મહિને અવતરેલો આ બાળક જન્મ સમયે રડી શક્યો નહીં આથી ઓક્સિજનના અભાવના કારણે છોકરો સેરેબલ પાલ્સીનો ભોગ બન્યો. આ બાળકના હાડકા વિકાસ પામે પણ માંસ પેશી ન બને, આથી શારીરિક અસક્ષમતનો ભોગ બન્યો. કોઇપણ પરિવાર આવી પરિસ્થિતિમાં પડી ભાંગે એ સ્વાભાવિક છે પણ જયેશભાઇ અને હિનાબેને ‘ભગવાની જેવી ઇચ્છા’ એમ માનીને દીકરા જીગરને જેવો હતો એવા સ્વરુપે સ્વીકાર્યો.
- Advertisement -
જીગરને એ 10 મહિનાનો હતો ત્યારથી નિયમિત રીતે કસરત માટે લઇ જવામાં આવતો. દોશી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા ડો. હર્ષલ પુરોહિતે ઠક્કર દંપતિને જીગરના સર્વાંગી વિકાસ માટે કેટલીક ટીપ્સ આપી. આ દંપતિએ લાડલા જીગર માટે એક સંકલ્પ લીધો કે હવે આપણે બીજા સંતાનને આ દુનિયામાં નથી લાવવું. જો બીજુ સંતાન આવશે તો સંપત્તિ અને પ્રેમ બંનેમાં જીગર પાસેથી ભાગ પડાવશે. આ ઉપરાંત બીજુ સંતાન નોર્મલ હોય તો શક્ય છે કે જીગર એને જોઇને લઘુતાગ્રંથી અનુભવે. જયેશભાઇ અને હિનાબેને એમનું સંપૂર્ણ ધ્યાન જીગરના ઉજ્જવળ ભવિષ્ય પર કેન્દ્રીત કર્યું.
જીગરના શરીરમાં 80% માંસપેશીઓ નહોતી આથી એમણે કાયમ માટે ફિઝિયોથેરાપી કરવાની હતી. ડો. પુરોહિતે એક સૂચન કર્યું કે જીગરને જેમા સવિશેષ રસ પડે એવી કોઇ રમતગમત પસંદ કરો જેથી એની કસરત પણ થઇ જાય અને એ પોતાની કસરતથી કંટાળો અભુભવવાને બદલે એનો આનંદ લઇ શકે. જીગરને સ્વિમિંગમાં વધુ રસ પડ્યો. જીગરને સારો સ્વિમર બનાવવા માટે એના મમ્મી-પપ્પાએ પોતાની જાત હોમી દીધી. સૌથી પહેલું અને અગત્યનું કામ તો એ કર્યું કે જીગરને આત્મવિશ્વાસ અપાવ્યો. નકારાત્મકતાને જીગરની આસપાસ આવવા જ ન દીધી. કેટલાક વાલીઓ એમના દિવ્યાંગ બાળકોને બહાર લઇ જવામાં ક્ષોભ અનુભવતા હોય છે, આથી બાળકોને કોઇ પ્રસંગો લઇ જવાને બદલે ઘરમાં જ રાખે. જયેશભાઇ જીગરને બધા જ સામાજીક પ્રસંગોમાં લઇ જાય, પોતાની બિઝનેસ મીટિંગમાં પણ લઇ જાય જેથી જીગર દુનિયાને જોઇ શકે અને સમજી શકે.
જીગરના મમ્મીએ જીગરના ઘડતર માટે પોતાની જાતને ઓગાળી દીધી. સવારથી સાંજ સુધીનો પોતાનો બધો જ સમય હિનાબેન દીકરા જીગરને આપતા. માતા-પિતાની હૂંફ અને પ્રોત્સાહનને લીધે ધીમે ધીમે જીગર સ્વિમિંગમાં નિપૂણતા મેળવવા લાગ્યો. 2013માં જીગરે પ્રથમ વખત દિવ્યાંગ માટેની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો અને એક સીલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. જીગરની આજુ બાજુ નકારાત્મક વિચારને ફરકવા પણ દેવામાં નહોતા આવતા આથી આ છોકરાએ સંકલ્પ કર્યો કે હવે મારે નેશનલમાં ગોલ્ડ મેડલ લેવો છે. પછીના વર્ષની નેશનલ સ્પર્ધામાં એણે ગોલ્ડ મેડલ જીતીને મમ્મી-પપ્પાને ભેટમાં આપ્યો. જીગર કહે છે કે મેં ગોલ્ડમેડલ જીત્યા પછી મારો આત્મવિશ્વાસ એવો બુલંદ બન્યો કે મેં નક્કી કર્યું, મારે હવે ગોલ્ડ મેડલ સિવાયનો કોઇ મેડલ ખપે જ નહીં. ત્યારથી આજ સુધીમાં જીગર નેશનલ કક્ષાની સ્પર્ધામાં 13 ગોલ્ડમેડલ જીતી ચૂક્યો છે. પેરાઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2017ના વર્ષની ‘બેસ્ટ સ્વિમર ચેમ્પિયન ટ્રોફી’ જીગરને આપવામાં આવી છે.
- Advertisement -
સમગ્ર વિશ્વના દિવ્યાંગ સ્વિમરોએ જુદી જુદી સ્પર્ધાઓમાં કરેલા દેખાવના આધારે એને રેન્ક આપવામાં આવે છે. જીગર ઠક્કર અત્યારે સમગ્ર દુનિયામાં 12માં સ્થાન પર અને સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન પર છે. 2020ની પેરા ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવાનું જીગરનું ધ્યેય છે. આ ગુજરાતી છોકરો કહે છે કે આજદીન સુધી પેરાઓલમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ નથી મળ્યો. 2020માં મારે મારા દેશને ગોલ્ડમેડલ ગિરફ્ટમાં આપવો છે. જીગરના માતા-પિતાએ એને એવી રીતે તૈયાર કર્યો કે ભારતના વડાપ્રધાને ‘મનકી બાત’ કાર્યક્રમમાં જીગરને યાદ કર્યો.
સંતાનોની અપૂર્ણતાથી અકળાઈ જવાને બદલે તેની ક્ષમતાઓને ખીલવવામાં લાગી જઈએ તો ભગવાન પણ અવશ્ય મદદ કરે.
મનની શક્તિની કોઈ મર્યાદા નથી સિવાય કે આપણે નક્કી કરીએ.
-નેપોલિયન હિલ