મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. એમાંથી બે મોટી અને મુખ્ય છે. નવરાત્રિ એ નવદિન નથી કહેવાતી કારણ કે આપણાં શાસ્ત્રોમાં તપ, સાધના અને આરાધના માટે દિવસ કરતાં રાત્રિનું મહત્વ વધારે ગણવામાં આવ્યું છે. શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ છે.
આ દરમિયાન સાધકે મંત્રજાપ કરવો જોઇએ. જો ગુરુમંત્ર હોય તો વધુ સારું નહીંતર કોઇ પણ મંત્ર ચાલે. દિવસ-રાત મળીને અગિયાર રુદ્રપાઠ થાય તો અગિયાર દિવસમાં એકસો એકવીસ પાઠ પૂરાં થાય. એક લઘુરુદ્ર પૂરો થયો ગણાય.
યથાશક્તિ સવા લાખ અથવા અઢી લાખ વાર મંત્રનું અનુષ્ઠાન થઇ શકે. આ ઉપરાંત નવ દિવસમાં રામાયાણ, દેવી ભાગવત, સુંદર કાંડ, ગુરુ ગીતા, શિવ પુરાણ, ઓખાહરણ વગેરેમાંથી કોઇ પણનું પારાયણ થઇ શકે. ચિત્તશક્તિ વિલાસ જેવો ગ્રંથ વાંચી શકાય. જેટલું શક્ય હોય એટલું મૌન ધારણ કરવું. આ સમય ઊર્જાસંચય માટે ઉત્તમ મનાય છે. આરતી ‘જય દેવી…’નું લયબદ્ધ શ્રવણ અથવા પઠન કરવાથી મા ભગવતી પ્રસન્ન થાય છે.
- Advertisement -
ચૈત્રી નવરાત્રિના આરાધના કાળમાં કુંડલિની સ્તવનનો મહિમા અપાર છે. સામાન્ય સ્તરથી ઉચ્ચ સ્તર પર જવા ઇચ્છુક સાધકો માટે કુંડલિની સ્તવન એ અંતિમ માધ્યમ છે.
વાસ્તવમાં કુંડલિની એ આપણી અંદર રહેલી ચિતિ શક્તિ છે જે સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરતી પરમ શક્તિનું જ એક સ્વરૂપ છે. સિદ્ધ પુરુષોએ કુંડલિનીને દેવાધિદેવવામા (મહાદેવની પત્ની) તરીકે ઓળખાવી છે. સામાન્ય રીતે મૂલાધાર ચક્રમાં ગૂંચળુ વાળીને સુષુપ્તાવસ્થામાં સ્થિત કુંડલિનીને સક્રિય કરીને સહસ્રાર ચક્ર સુધી પહોંચાડવા માટે ચૈત્રી નવરાત્રિની નવ રાતો ઉત્તમ સમય ગણાય છે. આ સ્તવનના પાઠથી ઈશ્વરની તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શરીરની તમામ અશુદ્ધિઓ દૂર થાય છે. આ સ્તવનના પાઠથી દેહ નિરોગી બનીને યૌગિક કક્ષા પ્રાપ્ત કરે છે.
કુંડલિની સ્તવનમાં મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાળી આ ત્રણેય દેવીઓની આરાધના સમાઈ જાય છે.
એકાગ્ર ચિત્તથી શ્રદ્ધાપૂર્વક આ સ્તવનનો પાઠ કરવાથી યાદ શક્તિ તીક્ષ્ણ બને છે, વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે, ડોકટરો તેમની નિદાન શક્તિ અને હિલિંગ પાવરમાં વધારો કરી શકે છે અને સામાન્ય સાધકોનો સંકલ્પ દૃઢ થાય છે. જે લોકો ‘સવારે વહેલા ઉઠાતું નથી’ એવી ફરિયાદ કરે છે તેઓ જો રાત્રે સૂતા પહેલા આ સ્તવનનો પાઠ કરે તો બીજા દિવસે સવારે તેમણે નિર્ધારેલા સમયે અવશ્ય જાગી જશે. કુંભકર્ણને પણ ઊંઘમાંથી જગાડી દેવાની શક્તિ આ સ્તવનમાં રહેલી છે. દર વર્ષે બન્ને મુખ્ય નવરાત્રિના કાળમાં આ સ્તવનનો પાઠ કરવામાં આવે તો તેનું પરિણામ સ્વયં બોલશે. આપણાં મહાન ભારત દેશના પ્રાચીન ઋષિમુનિઓએ દિવસ કરતા રાત્રિને વધારે મહત્ત્વ આપ્યું છે; માટે જ દિવાળી, હોળી, શિવરાત્રિ અને નવરાત્રિ જેવા ઉત્સવોને રાત્રિકાળમાં જ ઉજવવાની પરંપરા ચાલી આવી છે.
- Advertisement -
નવરાત્રિ દરમ્યાન ભક્તો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજા તેમ જ યોગ સાધના વગેરે કરે છે. કેટલાક સાધકો આ નવ રાત્રિઓ દરમ્યાન પુરી રાત પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસીને બીજ મંત્રનો જાપ કરીને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કોશિષ કરે છે.
નવરાત્રિમાં પુરી રાતના જાગરણને અત્યંત શુભ માનવામાં આવે છે. ખૂબ ઓછા ઉપાસકો આળસને ત્યાગીને આત્મશક્તિ, માનસિક શક્તિ અને યૌગિક શક્તિ પ્રાપ્ત કરવા માટે રાત્રિ જાગરણનો સદુપયોગ કરતા જોવા મળે છે. જે મિત્રોને લક્ષ્મી પ્રાપ્તિમાં રસ હોય તેમણે આખી રાત જાગીને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો. માહાલક્ષ્મી અષ્ટકમની રચના બીજા કોઈએ નહિ પણ દેવાધિરાજ ઇન્દ્રે કરી છે.
ચૈત્રી નવરાત્રિના આરાધના કાળમાં કુંડલિની સ્તવનનો મહિમા અપાર છે, સામાન્ય સ્તરથી ઉચ્ચ સ્તર પર જવા ઇચ્છુક સાધકો માટે કુંડલિની સ્તવન એ અંતિમ માધ્યમ છે.


