છઠ્ઠ પૂજાની દુર્ઘટનાઓએ ફરી માનવજીવના મૂલ્યનો પ્રશ્ર્ન ઉઠાવ્યો
ભારતીય સંસ્કૃતિના અમૂર્ત રત્નોમાં ગણાતા ઉત્સવો માત્ર આનંદના પ્રસંગો નથી, પરંતુ શ્રદ્ધા, સામૂહિક જોડાણ અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. છઠ્ઠ મહાપર્વ – સૂર્યદેવ અને છઠ્ઠી માયાની અર્ચના કરતો ચાર દિવસીય વ્રતપર્વ – બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બને છે.
- Advertisement -
25થી 28 ઓક્ટોબર 2025 દરમિયાન ઉજવાયેલા આ પર્વમાં નદીઓ-તળાવોના કાંઠે ભેગી થયેલ લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે આનંદની લહેર મૃત્યુની કાળી છાયામાં બદલાઈ ગઈ. અવ્યવસ્થા, અપૂરતી સુરક્ષા, લાઈટિંગનો અભાવ અને માનવીય ઉદાસીનતાને કારણે ઝારખંડમાં 27 અને બિહારમાં 106 – કુલ 130થી વધુ મોતો થયાં, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા મોટી છે.
છઠ્ઠ પૂજાના ઉજાસમાં મૃત્યુની કાળી છાયા
છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અને સ્નાન દરમ્યાન બનેલી દુર્ઘટનાઓને લઈને ઝારખંડ અને બિહારમાં થયેલા મોતોના સત્તાવાર આંકડાઓ, ઝારખંડમાં હઝારીબાગ, પલામુ, ગઢવા અને સિમડેગા સહિતના જિલ્લાઓમાં કુલ 14 લોકો ડૂબી ગયા, જ્યારે બે લોકોનાં અન્ય દુર્ઘટનામાં જીવ ગયાં બિહારમાં 23 લોકોનાં મોત થયા, જેમાં મોટા ભાગે બાળકો અને યુવાનો હતાં. નાલંદા, પટણા, મુંગેર અને નૌગછિયા જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ. આ રીતે, બે રાજ્યોમાં મળી કુલ 37 લોકોનાં મોતોની સત્તાવાર પુષ્ટિ થઈ છે. તમામ કિસ્સાઓ છઠ્ઠ પૂજાના અર્ઘ્ય-સ્નાન દરમિયાન બનેલા છે, જ્યાં અતિભીડ, ઊંડા પાણી અને સલામતીનાં અભાવને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી.
જ્યાં ભક્તિ અને ભાવનાના ઉછાળા વચ્ચે અનેક જીવ અણધાર્યા રીતે પાણીમાં સમાઈ ગયા. હજારો શ્રદ્ધાળુઓની ભીડ, ઘાટો પર અંધારું, લાઈટિંગનો અભાવ, ઘાટની માટી ધસી જવી, પાણીની ઊંડાઈ વિશે અજ્ઞાન વગેરે પરિબળોએ વિપત્તિને બળ આપ્યું. રેસ્ક્યુ
- Advertisement -
ટીમો અને એનડીઆરએફની ટુકડીઓ સ્થળ પર ઘણી મોડી પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું, પરંતુ ઘણા કિસ્સાઓમાં સમયસર સહાય ન મળતાં જાનહાનિ વધી ગઈ. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ડાઇવર અને ગ્રામજનોએ પહેલ કરીને લોકોને બહાર કાઢ્યા, જ્યારે પ્રશાસન દ્વારા સતત સર્ચ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું.
જ્યારે આસ્થા કરતાં વ્યવસ્થા નબળી પડે ત્યારે દુર્ઘટનાનો સર્જાવાની જ છે. દર વર્ષે પુનરાવર્તિત ત્રાસદીઓ છતાં બેરિકેડિંગ, લાઈફગાર્ડ, લાઈટિંગ, ડાયવર્સ, જાહેર જાગૃતિનો અભાવ. બોટ-એમ્બ્યુલન્સ વિલંબ… આ દુર્ઘટનાઓ માનવીય બેદરકારી: સરકારી નિષ્ક્રિયતા અને વ્યક્તિગત અવગણનાનાં અનેક પ્રશ્ન ઉઠાવે છે:
સરકારો કરોડો ખર્ચે ઘાટો સજાવે, પરંતુ ત્યાં જ જીવરક્ષક સાધનો-તાલીમપ્રાપ્ત લાઈફગાર્ડનો અભાવ!આ ત્રાસદીઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ માનવીય બેદરકારીનું પણ પરિણામ છે. શ્રદ્ધાળુઓ નાના બાળકોને પાણીની ધારે એકલા છોડે, ભીડમાં સુરક્ષા અવગણે અને પછી ’ભાગ્ય’ના નામે જવાબદારી ટાળશે અને પછી ‘તપાસ ચાલુ’ના નિવેદનો રિપોર્ટ બનીને જ્યારે બહાર આવશે ત્યારે જનતાની સ્મૃતિમાંથી આ દુ:ખદ ઘટના લુપ્ત થઈ ગઈ હશે. અને નવી કોઈ આવી જ દુર્ઘટના વિશે ચર્ચાઓ ગરમ હશે.
ગત વર્ષ – 2024 માં પણ છઠ્ઠ પૂજાના અવસર એ આ જ દુર્ઘટનાત્મક પેટર્ન જોવા મળી હતી. બિહારમાં તે વેળા 60થી પણ અધિક મૃત્યુ નોંધાયા હતા, જેમાં માત્ર સમસ્તીપુર જિલ્લામાં જ દસ લોકોના મોતો થયા હતા. ઝારખંડમાં પણ 14 થી વધુ લોકોના જીવ ગયા, જે બધા
છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અથવા સ્નાન દરમિયાન ની ઘટનાઓ હતી. દર વર્ષે આ ધાર્મિક ઉત્સવ હજારો ભક્તોને નદીકાંઠે એકત્ર કરે છે, પરંતુ સલામતી વ્યવસ્થાની અપૂરતા, સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને જનમેળામાં માત્ર આસ્થા પર આધારિત વ્યવહાર – આ બધું મળી ને દર વર્ષે આવી જ દુર્ઘટનાઓ દોહરાય છે. આ ઘટનાઓ પ્રશ્ન ઉભો કરે છે કે ધાર્મિક આસ્થાની આડમાં સુરક્ષા અને જીવન રક્ષાની વ્યવસ્થા સતત કેવી રીતે અવગણાઈ રહે છે?
આસ્થા અને જીવનરક્ષાની વચ્ચેનું સંતુલન વર્ષોથી ખોરવાયેલું છે – અને એનું સૌથી કરુણ ઉદાહરણ દર વર્ષની છઠ્ઠ પૂજા જેવી ધાર્મિક ઉજવણીઓમાં થતી ડૂબી જવાની ઘટનાઓ છે. હજારો લોકો અર્ઘ્ય અર્પણ કરવા નદીકાંઠે ભેગા થાય છે, પરંતુ સરકાર માટે એ માત્ર ધાર્મિક તહેવાર ફોટો-અવસર બની રહે છે. ડ્રોન મોનિટરિંગ, એપ આધારિત ચેતવણી પ્રણાલી, ગામડા સ્તરે જાગૃતિ અભિયાન, લાઈફગાર્ડ તાલીમ જેવી આધુનિક વ્યવસ્થાઓની ચર્ચા તો થાય છે, પરંતુ અમલ ક્યાંય નથી દેખાતો.
જે સરકારો ધર્મ, હિન્દુત્વ અને ભક્તિના નામે મતની રાજનીતિ કરે છે, એ જ સરકારો એ ધર્મના ઉત્સવોમાં જીવ બચાવવાની લઘુત્તમ જવાબદારી પણ લેતી નથી. માણસનો જીવ એમના રાજકીય હિસાબમાં કદાચ કોઈ આંકડો માત્ર બની ગયો છે – ન કે જીવંત સત્ય. નદીનાં કિનારે લાશો તણાતી રહે, તળાવમાં બાળકીઓ ડૂબતી રહે, પરંતુ સત્તા માટે ધર્મના નારા ગાજતાં રહે – આ જ આજની સૌથી મોટી નિષ્ઠુરતા છે. શ્રદ્ધાને ઢાલ બનાવી, સંવેદનહીનતાની રાજનીતિ ચલાવનારા શાસકોને મન માનવીની જિંદગી બહુ સસ્તી છે!
છઠ્ઠ મહાપર્વની આ કડવી વાસ્તવિકતા પ્રશ્ન ઉઠાવે છે કે આપણે ઉત્સવો ઉજવીએ છીએ કે અસુરક્ષાને આમંત્રણ આપીએ? જે પર્વ આનંદ કરતાં વધુ આંસુ લાવે, ત્યારે સમાજ માટે આત્મપરીક્ષણ જરુરી છે. શ્રદ્ધા જો માનવીય સંવેદનાથી વિહીન થાય, તો તે દુર્ઘટનાનું બીજ બને.



 
                                 
                              
        

 
         
         
        