ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અખંડ ભારતના શિલ્પી અને જેમના સંકલ્પ થકી આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના ભવ્યાતિ-ભવ્ય સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ તેવા સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતીની સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, પૂજારીગણ સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પૂજન કર્યું હતું, તેમજ સરદારશ્રીને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથજીને શાસ્ત્રોમાં વર્ણિત પવિત્ર પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. પૂજારી ગણ દ્વારા આ પવિત્ર સામગ્રીથી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. પૂજામાં સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ માટે તેમજ રાષ્ટ્રના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.