કાર્ટરનું ઓપરેશન રોમિયો, ગૂડલક જેરી
OTT પ્લેટફોર્મ પર જ જોવા મળતી આ ત્રણેય ફિલ્મોમાં મનોરંજનના તમામ મસાલો છે
- Advertisement -
કાર્ટર ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે અને તેના દિલધડક સ્ટંટ અને ટજઋની કમાલ તમને સ્તબ્ધ કરી દે છે
પહેલાં આ હિન્દી ફિલ્મના નામ વાંચો : સલમાન ખાનની રાધે, રામ રતન ધન પાયો અને ભારત, ઈરફાન-ઐશ્વર્યા રાયની જઝબા, એક વિલન, અમિતાભ બચ્ચનની તીન, રોકી હેન્ડસમ, રણબીર કપૂરની બર્ફી, બિપાશા બાસુની મર્ડર-ટૂ, ઈમરાન હાશ્મીની આવારાપન, ઝિંદા, ધમાકા … આ ફિલ્મોની ગળથૂથી એક જ છે. એ તમામ કોરિયન ફિલ્મોની (ચાઈનીઝ ભેળ જેવી) દેશી રિમેક છે. કોરિયન ફિલ્મોની આવી બોલબાલા છે પરંતુ કોવિડ કાળ પછી ઓટીટી પ્લેટફોર્મ પથરાઈ ગયા એટલે હવે આપણને નાચગાના વગરની ઓરિજિનલ કોરિયન ફિલ્મો હિન્દીમાં પણ જોવા મળવા લાગી છે અને તેમાં છેલ્લે નીકળેલી લોટરીનું નામ છે : કાર્ટર. નેટફલિક્સ પર સ્ટ્રીમ થયેલી આ ફિલ્મ વિશે અતિશયોક્તિ અલંકાર વાપરીને કહેવું હોય તો કહી શકાય કે દશ જેમ્સબોન્ડ અને સસ્પેન્સ થ્રિલરના મહારાજા એવા બે-ત્રણ જોડી અબ્બાસ-મસ્તાનનું મિક્સર બનાવ્યાં પછી મળે તેનું નામ ડિરેકટર જોગં બીયોંગ ગીલનીકાર્ટર ફિલ્મ હોય શકે. કાર્ટર એક આલા દરજ્જાનું ડબલ એકશનપેક થ્રિલર છે અને તેમાં કુતૂહલ થયા કરે તેવા રહસ્યનું મજેદાર ટોપિંગ પણ ભભરાવેલુ છે.
સાઉથ કોરિયામાં એક સવારે કાર્ટર જાગે છે ત્યારે હત્યારાઓથી ઘેરાયેલો છે પણ તેને પોતાનું નામ સુધ્ધાં યાદ નથી આવતું. તેના કાનમાં ફીટ કરી દેવામાં આવેલા ફોન પરથી તેને સુચના મળતી રહે છે તેમ પોતાનો જીવ બચાવવા કાર્ટર કત્લેઆમ કરતો કરતો ભાગે છે. તેને એક મિશન સોંપવામાં આવે છે પરંતુ તેને કોઈના ઈરાદા સમજાતાં નથી. તેને સતત તેની દીકરીના નામે ઉશ્કેરવામાં આવે છે કે, એ જીવલેણ વાયરસનો ભોગ બની છે… કાર્ટર મિશન પુરું કરે તો જ અને ત્યારે જ એન્ટિડોટ મળી શકે, જે તેની દીકરીને ફરી નોર્મલ કરી શકે પણ… યાદદાસ્ત ગૂમાવી ચૂકેલાં કાર્ટરને કશું સમજાતું નથી
કાર્ટર ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે અને તેના દિલધડક સ્ટંટ અને વીએસએફની કમાલ તમને સ્તબ્ધ કરી દે છે. જોઈ નાખો નહિંતર ખરેખર કશુંક દિલધડક ખરેખર ગૂમાવશો.
- Advertisement -
ગૂડલક જેરી હળવા કરતાં બેડલક
હાર્સ્ય સર્જવું અઘરું છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી હાસ્ય નિષ્પન્ન કરવું વધારે મુશ્કેલ છે. ડિઝની-હોટસ્ટાર પર સીધી જ રિલીઝ થયેલી શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરની ગૂડલક જેરી આ અઘરી એકઝામમાં પાસ થયેલી ફિલ્મ છે. પિતાવિહોણી બે જુવાન દીકરીને માતા મોમો વેચીને કામધંધે વળગાડે છે પણ મોટી દીકરી જેરી (જયા) એ મસાજ પાર્લરની નોકરી લઈને માતાને પરેશાન કરી નાખી છે. લોગ ક્યા કહેંગે – ની બળતરાંમાં મા-દીકરી વચ્ચે ટસલ થયા કરે છે. ગુસ્સામાં સતત ખાસતી રહેતી માતા શરબતી (મિતા વશિષ્ઠ) ની ઉધરસનું નિદાન કેન્સર તરીકે થાય છે. હવે માતાની કિમોથેરાપી, રેડિએશન વગેરેની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર છે અને જેરી નાછૂટકે ડ્રગ્ઝને એકથી બીજા ઠેકાણે પહોંચાડવાનું કામ શરૂ કરી દે છે પણ…
બન્ને બહેનોના પાગલ-ઘેલા પ્રેમી, માતા માટે સોફટ કોર્નર ધરાવતાં પડોશી, જેરીથી આર્કષાતો ડ્રગ પેડલર અને તેનો બોસ… આ બધા પાત્રો સાથે ગૂડલક જેરી (લેખકો નેલસન દિલીપકુમાર અને પંકજ મટૃા) એવી તંગ પરિસ્થિતિઓ સર્જે છે કે જેમાં આપણે મંદ મંદ મુસ્કુરાતાં રહીએ. એક સમયે તો બોસ (સુશાંત સિંહ) જેરીને કબાટ ભરીને ડ્રગ્સ મોકલવાની ફરજ પાડે છે અને એ આખી સિક્વન્સ અને તેમાં આવતા ટવિસ્ટ એકદમ મજેદાર છે. ગૂડલક જેરી ને ડિરેકટ કરનારા સિધ્ધાર્થ સેનગુપ્તાની આ પ્રથમ કહી શકાય તેવી ફિચર ફિલ્મ છે. તેમની તારીફ તો બનતી હૈ. જેરી તરીકે જહાનવી કપૂરને કદાચ, પહેલી વખત યોગ્ય કેરેકટર મળ્યું હોય તેવું લાગે. મીતા વશિષ્ઠ તો નીવડેલાં અભિનેત્રી છે પણ એ સિવાયના તમામ પાત્રોનું કાસ્ટીંગ પરફેકટ છે. અભિનય સરસ. ઘેર બેઠાં જોવા મળતી આ ફેમિલીયર મૂવી છે. વર્થ વોચ.
ઓપરેશન રોમિયો લવ સ્ટોરીની સર્જરી
લાખ સમજાવો પણ બે પ્રેમીઓએ આપમેળે શોધી લીધેલું એકાંત સમાજને ખટક્તું જ રહે છે, પછી એ કાફેની કેબિન હોય ગાર્ડનનો ખૂણો હોય કે શાંત સડકની બંધ કાર હોય…
ડિરેકટર શશાંત શાહની ઓપરેશન રોમિયો પ્રેમીઓના આવા એકાંતમાં પડતી ખલેલની વાત કરે છે. મોટા શહેરોના સાંકડા મકાનોમાં પ્રેમીઓને આવું એકાંત મળતું નથી. મુંબઈની નેહા કાસલીવાલ (વેદિકા પિન્ટો) અને આદિત્ય શર્મા (સિધ્ધાંત ગુપ્તા) બર્થ ડે ની મધરાતે કારમાં બેઠાં-બેઠાં પ્રણયનો કેફ ઘૂટી રહ્યાં છે (ના, સેક્સ નહીં) ત્યારે જ બે પોલીસ અધિકારી (શરદ કેલકર અને કિશોર કદમ) તેમને પકડે છે. પરિવારથી ગુપ્ત રાખેલો પ્રેમ તેમજ મધરાતે પોલીસ… નેટફલિક્સ પર જોવા મળતી ઓપરશેન રોમિયો મોટાભાગે એક રાતની કહાણી બની રહે છે. પરંતુ ફિલ્મ આગળ વધતી જાય તેમ ભેદ ખૂલતો જાય છે. ભૂમિકા ચાવલા પણ એક ક્યૂટ પાત્ર ભજવે છે. લાંબી-લાંબી વેબસિરિઝ જોવાનો સમય ન હોય તો ઓપરેશન રોમિયો બેધડક જોઈ શકાય. થોડીક નબળાઈઓ બાદ કરો તો ઓવલ ઓલ, ઠીકઠાક થ્રિલર છે આ ફિલ્મ઼