ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોને પકડવા માટે હવે સરકારે લાલ આંખ કરી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ ઠેર ઠેર દરોડા પાડી રહી છે. આવા જ એક દરોડામાં પીએમ રુષિ સુનક પણ સામેલ થયા હતા. તેમને બૂલેટ પ્રૂફ જેકેટ પહેરીને પોલીસ સાથે જોઈને લોકો પણ હેરાન થઈ ગયા હતા. તેમણે દરોડો પાડવાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો.
બ્રિટનની સુરક્ષા એજન્સીઓએ અત્યાર સુધીમાં આખા દેશમાં ઠેર ઠેર કરેલા ચેકિંગ દરમિયાન 20 દેશોના 105 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. બ્રિટનમાં આવનારી ચૂંટણી પહેલા સરકારે ઘૂસણખોરો સામેનુ અભિયાન જોર શોરથી શરુ કર્યુ છે. વર્તમાન સરકારની પ્રાથમિકતાઓ પૈકી એક પ્રાથમિકતા ઘૂસણખોરોને દેશની બહાર કાઢવાની છે.
- Advertisement -
દરોડા પાડવાની કામગીરીમાં જોડાયેલા સુનકે કહ્યુ હતુ કે, અમારી નીતિ બહુ સ્પષ્ટ છે. બ્રિટનમાં કોણ આવશે અને કોણ રહેશે તેમજ કોણ બહાર જશે તે બ્રિટન પોતે નક્કી કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સુએલા બ્રાવરમેને કહ્યુ હતુ કે, ઘૂસણખોરોના કારણે બ્રિટિશ લોકોનુ નુકસાન થઈ રહ્યુ છે. તેના કારણે પ્રામાણિક કામદારોને બેકારીનો સામનો કરવો પડી રહયો છે. ઘૂસણખોરો ટેક્સ પણ ભરતા નહીં હોવાથી બીજા કરદાતાઓ પર તેનો બોજો આવી રહ્યો છે. અમે અમારી બોર્ડરોની રક્ષા કરવા માટે અને કાયદા લાગુ કરાવ માટે કટિબધ્ધ છે.