તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ દારૂ ઢીંચી દંગલ કરતા ઝડપાયા: ભાજપનાં કાર્યકરોમાં સન્નાટો
પોલીસે મારામારી તથા પ્રોહીબિશનના બે અલગ અલગ ગુના દાખલ કરી ભાજપ પ્રમુખને જેલમાં ધકેલ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ રમણભાઈ ગંગદેવ ઉ.વ.40 દારૂ ઢીંચી દંગલ કરતા પોલીસે ભાજપ પ્રમુખ ની ધરપકડ કરી જેલ હવાલે કરતા તાલાલા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.આ બનાવથી કેસરીયા કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો છે.
તાલાલા પોલીસ માંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા શહેરના વિરપુર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં શ્યામ વિલા એપાર્ટમેન્ટ પાસે નાના બાળકો રમતા હોય ત્યાંથી પસાર થતા તાલાલા નગર ભાજપ પ્રમુખે બાળકો પાસે આવી ભુંડી ગાળો બોલતા હોય એપાર્ટમેન્ટના રહીશ રૂચિતભાઈએ ભાજપ પ્રમુખને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ પ્રમુખે બેટ થી રુચિતભાઈ તથા છોડાવવા આવેલ એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરેલ જેમાં રુચિતભાઈ તથા તેમના માસી રશ્મિતાબેનને ઈજા થતાં તાલાલા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલ..આ બનાવ અંગે પોલીસે દરજી રુચિત મુકેશ સંચેલા ની ફરિયાદ લઈ ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ સામે બી.એન.એસ. 115(2) તથા 352,351(3) અને જી.પી.એ 135 મુજબ ગુનો દાખલ કરી સોમનાથ સોસાયટીમાં રહેતા ભાજપ પ્રમુખની ધરપકડ કરવા ગયેલ ત્યારે પણ ભાજપ પ્રમુખ દારુ ઢીંચી લથડિયા મારતા હોય મોઢામાંથી તીવ્ર અને પુષ્કળ વાસ આવતી હોય આંખો લાલચોળ થઈ ગઈ ગયેલ હાલતમાં હોય પોલીસે દારૂ પીધેલ હાલતમાં મારામારીના ગુના સબબ ભાજપ પ્રમુખની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ ભાજપ પ્રમુખ દારૂ પીધેલ હોય તાલાલા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દાનાભાઈ સાંખટની ફરિયાદ લઈ ભાજપ પ્રમુખ સામે પ્રોહીબિશન એક્ટ કલમ 66(1)બી 85-1-3 મુજબ વધુ એક ગુનો દાખલ કર્યો હતો.તાલાલા શહેર ભાજપ પ્રમુખ ઉપર પ્રોહીબિશન અને મારામારીના બે અલગ અલગ ગુના સબબ સોમવારે રાત્રે જ ધરપકડ કરી જેલ હવાલે થયાના સમાચાર આજે વહેલી સવારે તાલાલા શહેરમાં વાયુવેગે પ્રસરતા તાલાલા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.



