“તાલ” ફિલ્મથી સિનેમામાં પ્રારંભ કરનાર ભૈરવી વૈદ્યે ‘હેરાફેરી’ વોટ્સ યોર રાશી ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે
ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. તેઓ છેલ્લા 45 વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. તેઓએ થિયેટર, ટી.વી.સીરીયલોમાં પણ અભિનય કર્યો છે. તેઓએ ‘તાલ‘, ‘હમરાઝ‘, ‘હેરા ફેરી‘, ‘વ્હોટ યોર રાશિ‘, ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે‘, ‘ક્યા દિલ ને કહા..‘ અને બીજી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો ઓજસ પાથર્યો હતો.
- Advertisement -
ભૈરવી વૈદ્યએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તાલ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું જેમાં તેઓએ જાનકીની ભૂમિકા ભજવી હતી અને તેઓની તે ભૂમિકા માટે તેમણે ખૂબ જ પ્રશંસા મેળવી હતી. આમ તો ભૈરવી વૈદ્ય ફિલ્મોમાં વૃદ્ધ માતાની કે દાદીની ભૂમિકાઓ માટે વધુ પ્રખ્યાત હતા. મળતી માહિતી અનુસાર તેઓ છેલ્લા 6-7 મહિનાથી કેન્સરથી પીડાતા હતા. અભિનેતા બાબુલ ભાવસાર ભૈરવી વૈદ્યના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવે છે કે, “વર્ષો પહેલા એક નાટક કર્યું હતું. તેઓ સ્વભાવે ખુબ જ મૃદુ હતા. અને તેઓ પાત્ર પણ એવું જ ભજવતા.
અભિનેતા દિલીપ રાવલ ભૈરવી બહેન સાથેના પોતાના સંસ્મણો વાગોળતા જણાવે છે કે, જ્યારથી હું નાટકોમાં આવ્યો ત્યારથી તેઓને જોતો આવ્યો છું. તેઓ સ્વભાવે સાલસ હતાં. તેઓ અસલ નાગર. તેઓને ક્યારેય લઘરવઘર નથી જોયા. એકદમ સરસ તૈયાર થઈને જ તેઓ રહેતા.
પ્રતિક ગાંધી જણાવે છે કે, “મને તેમની સાથે ફિલ્મ ‘વેન્ટિલેટર‘માં કામ કરવાની તક મળી હતી. અમારી વચ્ચે સારું બોન્ડીંગ હતું. તેઓ ખુબ જ પ્રેમાળ હતા. મેં તેઓને બાળપણમાં સ્ટેજ અને ટેલિવિઝન પર પરફોર્મ કરતા જોયા હતા અને હંમેશા તેમના પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. હું તેમનો હસતો ચહેરો ભૂલી શકતો નથી.”