‘ખાસ-ખબર’માં પ્રકાશિત થયેલા અહેવાલનો પડઘો
PM મોદીની મુલાકાત સ્થળ આસપાસ પણ ન ફરકવા લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલને સૂચના આપી દેવાઈ હતી
- Advertisement -
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિની માગનો સ્વીકાર થયો, સમીર પટેલની ચાલ નિષ્ફળ ગઈ
બેટ દ્વારકા ખાતે 978.93 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ – સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ ચૂક્યું છે. આ અગાઉ ખાસ-ખબરમાં ઓખા મંડળના વરિષ્ઠ પત્રકાર બુધાભા ભાટીનો વડાપ્રધાનના કાર્યક્રમ અને સુદર્શન સેતુ લોકાર્પણમાં કુખ્યાત સમીર પટેલની હાજરીને લઈ એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ સુદર્શન સેતુના લોકાર્પણ અને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બોટાદ લઠ્ઠાકાંડના આરોપી, બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલને દૂર કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ અગાઉ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં સમીર પટેલ મુખ્ય આરોપી છે અને હાલ જામીન પર મુક્ત છે.
ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી બોટાદ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સમીર પટેલ પાસા સહિતના કડક પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવી ચૂક્યા છે, લઠ્ઠાકાંડ ઉપરાંત બેટ દ્વારકા મંદિર સમિતિમાં ભ્રષ્ટાચાર કરવાના સમીર પટેલ પર ગંભીર આરોપો છે, તે જાહેરમાં બ્રાહ્મણોને ચોર પણ કહી ચૂક્યો છે. આ મામલે બેટ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સમીર પટેલની હાજરી મામલે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિએ માગ કરી હતી કે, વડાપ્રધાનના કાર્યકમમાં સમીર પટેલ બેટ દ્વારકા મંદિરના ઉપાધ્યક્ષ તરીકે વડાપ્રધાનનું સ્વાગત કરશે તો મંદિર અને વડાપ્રધાન બંનેની ગરિમા જળવાશે નહીં. સમીર પટેલને વડાપ્રધાન મોદીના બેટ-દ્વારકા દર્શન કાર્યક્રમથી દૂર રાખવો હિતકારી છે.
- Advertisement -
ખાસ-ખબરમાં પ્રસિદ્ધ બુધાભા ભાટીના આ અહેવાલની નોંધ સુરક્ષા એજન્સી પણ લીધી હતી અને અધિકારીઓ દ્વારા બેટ દ્વારકામાં નરેન્દ્ર મોદીની મુલાકાત તેમજ સુદર્શન સેતુ લોકાર્પણ કાર્યક્રમમાંથી લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલને દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીના અધિકારીઓએ બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતીની માંગનો સ્વીકાર કરતા સમીર પટેલની વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપી ખુદને નિર્દોષ સાબિત કરવાની ચાલ નિષ્ફળ નીવડી હતી.