મહેશગિરીને ઉઘાડાં કરવાની “ખાસ-ખબર” ઝુંબેશનું મળ્યું પરિણામ
જૂનાગઢનાં જૂના અખાડાના મહંત મહેશગિરી સહિત 4 સાધુઓને પદભ્રષ્ટ કરવાનો મહાકુંભમાં નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા ઘણા સમયથી ભવનાથમાં ચાલી રહેલા અંબાજી મંદિરના ગાદી વિવાદ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સમગ્ર પ્રકરણે ‘ખાસ-ખબર’ દ્વારા મહેશગિરીના કાળા કારનામાઓને ખૂલ્લા પાડવા એક એક્સક્લૂઝિવ શ્રેણી પ્રકાશિત કરવામાં આવી હતી અને તબક્કાવાર મહેશગિરીની કાળી કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ અહેવાલોના અનુસંધાને મહેશગિરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે અને તેમના પર કુંભમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ‘ખાસ-ખબર’ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલોનો નક્કર પડઘો પડ્યો છે.
અંબાજી મંદિરની ગાદીના વિવાદમાં મુખ્ય ભૂમિકા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની છે. જેમણે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ખોટી રીતે સહી સિક્કા કરાવી લઈ ગાદી પદ હડપવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 6-7 મહિનાથી ચાલી રહેલા આ વિવાદમાં વચ્ચે મોટા સમાચાર એ સામે આવ્યા છે
કે મહાકુંભમાં જુના અખાડા દ્વારા મહેશગીરી સહિત ચાર સાધુઓને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. અખાડાના નિયમોનો ભંગ કરનાર સાધુઓને પદભ્રષ્ટ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ભવનાથમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા મહંત મહેશગીરી તેના પર દાવો કરી રહ્યા છે. જેને લઈને વિવાદ વધુ વકર્યો છે. પહેલેથી જ વિવાદમાં રહેલા મહેશગીરી સામે મહાકુંભમાં જુના અખાડાના બંધારણ મુજબ તેમને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. મહેશગીરી સહિત મહાદેવગીરી, અમૃતગીરી અને કનૈયાગીરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. મહંત મહેશગીરીએ જુના અખાડા પરિષદના સેક્રેટરી રહેલા હરીગીરી પર ભવનાથ મંદિર હડપ કરવા માટે 5 કરોડ રૂપિયા આપ્યા હોવાનો લેટરબોંબ પણ ફોડ્યો હતો. જેમા જુનાગઢના બે પૂર્વ કલેક્ટરના નામો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેશ ગીરીએ ખોટી અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીના ખોટા સહીસિક્કા કરી પોતાને મંદિરના ગાદીપતિ ગણાવતા ગાદી માટેની ખેંચતાણ શરૂ થઈ છે. આ તમામ વિવાદોને પગલે જુના અખાડા દ્વારા હાલ મહેશગીરી સહિત ત્રણ મહંતોને સસ્પેન્ડ કરાયા છે.