ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લીલાપર ગામ જવાના રસ્તે બોરીયાપાટી નજીક આવેલ ખેતીની જમીન મુદે ચાલતા ઝઘડામાં ઓગસ્ટ 2018 માં દીલાવરખાન પઠાણ, મોમીનખાન પઠાણ તેમજ અફઝલખાન અકબરખાન પઠાણ એમ ત્રણ લોકોની હત્યા થઈ હતી. આ ઘટનામાં પોલીસે જે તે સમયે 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. કેસની ચાર્જશીટ દાખલ થવા સુધીમાં તેમજ ત્યારબાદ સમયાંતરે જામીન અરજી થઈ હતી અને મોરબી સેશન્સ કોર્ટે એક પછી એક આરોપીની શરતી જામીન અરજી મંજૂર કરી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં જામીન મેળવેલ સાત આરોપીઓની જામીન અરજી મૃતક દિલાવરખાન પઠાણની પત્ની હાફિઝાબેનને મંજૂર ન રહેતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદી તરફથી હાઈકોર્ટના વકીલ પ્રશાંત ખંઢેરીયાની અરજીના આધારે ગત તા. 23 નવેમ્બરના રોજ હાઈકોર્ટ જજ ગીતા ગોપીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી વકીલ પ્રશાંત ખંઢેરીયાએ જણાવ્યું હતું કે, આ આરોપીઓએ અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી તે સેસન્સ કોર્ટે ફગાવી હતી જે બાદ તેમની ધરપકડ થઈ હતી અને ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે સમાનતાને આધાર રાખી જામીન અરજી માન્ય રાખી હતી. વકીલ પ્રશાંત ખંઢેરીયાની દલીલના આધારે સાત આરોપી મનસુખ રામજી ડાભી, ભરત જીવરાજ ડાભી, અશ્વિન જીવરાજ ડાભી, શિવા રામજી ડાભી, સંજય નારણ ડાભી, કિશોર શિવા ડાભી અને કાનજી મનસુખ ડાભી તમામના સેશન્સ કોર્ટે આપેલા જામીન ચુકાદાને ફેરવી નાખ્યો હતો.