કૈલાસ હર્બલ નામની દુકાનનાં માલિક અને નશો કરવા આવેલા 8 ઝડપાયા
જૂનાગઢ SOGનું સફળ ઓપરેશન : 340 બોટલ કબજે કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં આયુર્વેદ દવાનાં નામે નશાયુક્ત પદાર્થનું વેંચાણ થઇ રહ્યું છે. વેંચાણ કરતા તત્વો ઉપર જૂનાગઢ એસઓજીએ ધોંસ બોલાવી છે. જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર આયુર્વેદ દવાના નામે નશો કરાવતું બાર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. એસઓજીની ટીમે રેઇડ કરી દુકાનનાં માલિક, મેનેજર અને નશો કરવા આવેલા 8 શખ્સોને ઝડપી લીધા હતાં. તેમજ આયુર્વેદ દવાની 340 બોટલ કિંમત રૂપિયા 50,319નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ અને ટીમ દ્વારા આયુર્વેદ દવાનાં નામે નશાનું વેંચાણ કરતા તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ ચોરવાડ, માળિયા સહિતનાં વિસ્તારમાંથી આયુર્વેદ દવાનાં નામે નશાનું વેચાણ કરતા તત્વોને પકડી પાડ્યાં હતાં. આ ઘટના બાદ પણ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલની કાર્યવાહી જારી છે. ત્યારે એસઓજીનાં એએસઆઇ પી.એમ. ભારાઇ, મહેન્દ્રભાઇ ડેરને બાતમી મળી હતી કે, જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલા દ્વારીકા પ્લાઝા-રમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કૈલાસ હર્બલ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં ગેરકાયેદસર આધાર પુરાવા વિના આયુર્વેદીક દવાનાં નામે નશો કરવા બાર જેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી.
એસઓજીને મળેલી બાતમીનાં આધારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા, પી.વી. ધોકડીયા સહિતની ટીમે કૈલાસ હર્બલ નામની દુકાનમાં ત્રાટકી હતી. દુકાનનાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. કૈલાસ હર્બલ નામની દુકાનમાં આયુર્વેદીક દવાની બોટલો, સ્ટ્રીંગ સોડા,જરૂરી ખાદ્ય સામગ્રી સહિતની સુવિધાઓ હતી અને અનેક લોકો નશો કરતા હતાં. એસઓજીએ દુકાનનાં માલીક વિજય હરકિશનભાઇ ગહેનાણી, મેનેજર બ્રિજેશ ખુશાલભાઇ રૂપારેલીયા તેમજ નશો કરવા આવેલા જગદિશ મેરૂભાઇ ચાંડેરા, જયદિપ નેભાભાઇ સુવા, દિવ્યેશ ચુનીભાઇ ધોરાજીયા, મેહુલ નવનીતભાઇ ત્રિવેદી, ગુણવંત સોમાભાઇ પરમાર, મીતલ પ્રભુદાસભાઇ માણાવદરીયા, ભાવીક કાંતીલાલ જાદવ, અજીત હરીભાઇ ચુડાસમાની અટક કરવામાં આવી હતી. તેમજ એસઓજી અને તાલુકા પોલીસે સ્થળ ઉપરથી આયુર્વેદ દવાની બોટલ નંગ 340 કિંમત રૂપિયા 50,319નો મુદામાલ કબજે કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજીની કામગીરીથી આયુર્વેદ દવાના નામે નશાનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
સોડા સાથે આ આયુર્વેદીક દવા પીવાથી નશો વધુ થાય છે
લોકોને નશાની લત લાગી ગઇ હોય છે. દારૂ સરળતાથી મળતો ન હોય હવે યુવાનો આયુર્વેદ દવાનો નશો કરતા થયા છે. બજારમાં 150 રૂપિયાની આસપાસ આયુર્વેદ દવાની બોટલ મળી રહે છે, જેનાથી નશો થાય છે. વળી આ દવા સોડા સાથે પીવાથી વધુ નશો થાય છે.
- Advertisement -
નશો કરતાં યુવાનો 22થી 40 વર્ષનાં
જૂનાગઢમાંથી પકડાયેલા નશા બારમાં નશો કરવા આવતા મોટાભાગનાં યુવાનો છે. જેની ઉંમર 22 વર્ષથી લઇને 40 વર્ષ સુધીની છે. તેમજ મોટાભાગનાં ખાનગી નોકરી અને ખેતી કામ કરનાર છે.