ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરના જુના બસ સ્ટેન્ડ ચોક તથા આજુબાજુના વિસ્તારોનાં માજા મુકતાં દબાણો દૂર થતાં રાહદારીઓ તથા નગરજનોએ રાહત વ્યક્ત કરી છે.આ ઉપરાંત સોમનાથ થી સાસણ ગીર જતા શહેરના મુખ્ય માર્ગ ઉપરની જટિલ ટ્રાફિક સમસ્યા દૂર થઈ છે.
તાલાલા નગરના મુખ્ય ચોક જુના બસ સ્ટેન્ડ તથા આજુબાજુના વિસ્તારોમાં અવિરત દબાણો થતાં આ વિસ્તારમાં કિંમતી દુકાનો લઈ વેપાર ધંધા કરતા વેપારી ભાઈઓ તથા રાહદારીઓ ત્રાહિમામ થઈ ગયા હતા.નગરના મુખ્ય ચોક વિસ્તારમાં મજા મુકતાં દબાણો દૂર કરવા સ્થાનિક પ્રશાસન સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરેલ પણ પરિણામ શૂન્ય આવતા આ વિસ્તારના 70 જેટલા વેપારીઓ તથા જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર સમક્ષ ઓનલાઈન સામુહિક ફરીયાદ કરી હતી જેના અંતર્ગત મુખ્યમંત્રી સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પરીણામલક્ષી થયેલ નિર્ણય બાદ તાલાલા નગરના જુના બસ સ્ટેન્ડ ચોક થી શાક માર્કેટ અને રમળેચી રોડ ઉપરના 60 થી પણ અધિક દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું ચીફ ઓફિસર વી.સી.રાઠોડે જણાવ્યું છે.
વેપારીઓ અને નાગરિકોએ મુખ્યમંત્રી સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન કરેલ ફરીયાદ ને આજે સફળતા મળતાં આ વિસ્તારના નાગરિકો નગરજનોને ખુબજ રાહત મળી છે તેમજ શહેરમાંથી પસાર થતો સાસણ ગીર-સોમનાથ મુખ્ય માર્ગ ઉપરની જટિલ ટ્રાફિક સમસ્યા ભુતકાળ બની ગઈ.
તાલાલા નગરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન તાલાલા મામલતદાર તથા પી.આઈ અને ચીફ ઓફિસર નાં માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન સ્ટાફ જોડાયો હતો.
તાલાલાના મુખ્ય ચોકમાં દબાણો દૂર કરવા 70 જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેલી રજુઆતને સફળતા