ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકામાં સફાઈ કામગીરીમાં ભેદભાવ થતો હોવાનો સણસણતા આક્ષેપ સાથે ગુરુવારે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા દોડી ગયા હતા જોકે શહેરમાં સફાઇ યોગ્ય રીતે નહીં થતી હોવાની ખુદ નગરપાલિકાના સદસ્યએ જ રજૂઆત કરી હતી પરંતુ તેનો યોગ્ય નિકાલ નહીં થતા મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ ચીફ ઓફિસર સમક્ષ કામગીરીનો ભેદભાવ દૂર કરવા રજૂઆત કરી હતી અને જો પાલિકા તેમની રજૂઆત સાંભળશે નહીં તો વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. હળવદ નગરપાલિકામાં સવર્ણ સફાઇ કામદારોને અન્ય કામગીરીમાં ખસેડી ભેદભાવ થતો હોવાની અનેકવાર રજૂઆતો તેમજ ફરિયાદો ઉઠી છે ત્યારે સફાઇ કામદારોમાં વાલ્મીકી સમાજ અને સવર્ણ સમાજની કામગીરીમાં ભેદભાવ થતો હોવાનું ભૂત ફરી ધૂણી ઉઠ્યું છે જેમાં ગુરુવારે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ચીફ ઓફિસર પાસે દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી.
જેમાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા ઉણી ઉતરી છે જેના પગલે અમે હાલ પુરતી અડધી કામગીરી કરીએ છીએ. હળવદ નગરપાલિકાના સફાઇ કામદારોને પુરતી સાધન સામગ્રી આપવી સહિતની માંગો કરવામાં આવી હતી અને સફાઇ કામદારોને કોમ્પ્યુટર ઓપરેટર જેવી જવાબદારી સોંપીને કામગીરીમાં ભેદભાવ થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને જો માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરીએ વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સફાઇ કામદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.



