જૂનાગઢમાં ઊચ્ચ શિક્ષણનાં નવા યુગની શરૂઆત થશે: જવાહરભાઇ ચાવડા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ડો. સુભાષ એકેડેમીના સ્થાપક અને અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઇ ચાવડાનાં 93 માં જન્મદિનની ઉજવણી પ્રસંગે સંસ્થાના પ્રમુખ જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,મારા પિતાનું સપનું હતું કે આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને જેનો લાભ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહિ પરંતુ સમગ્ર ભારતના વિધાર્થીઓને મળે. શૈક્ષણિકક્ષેત્રે ભાવિ અયોજનની મોટી જાહેરાત કરતા જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,જૂનાગઢમાં એક વિશાળ, અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. આ યુનિવર્સિટી કેમ્પસ 125 એકર કરતા વધારે જગ્યામાં અને લગભગ રૂપિયા 400 કરોડના ખર્ચે બનશે અને 25000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતાવાળું હશે અને બે તબકકામાં નિર્માણ થશે. આ વિશાળ કેમ્પસની ડિઝાઇન જાણીતા આર્કિટેકટ કે જેમને આયઆયએમ બેગ્લોર, આયઆયએમ. ઉદેપુર, સીઈપીટી યુનિવર્સિટી, એનઆયએફટી નવી દિલ્હી અને નાલન્દા યુનિવર્સિટી જેવી સંસ્થાની ડિઝાઇન કરી છે તેવા પદ્મભૂષણ બી.વી.દોશી અને તેમની સાથે જર્મનીના પ્રિન્સીપલ આર્કિટેકટ દ્વારા કરવામાં આવનાર છે.
- Advertisement -
વધુમાં જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,આ કેમ્પસ ભારતની ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી રાષ્ટ્રીય કક્ષાની આયઆયટી અને આયઆયએમ જેવી આધુનિક અને અદ્યતન સુવિધાઓથી સભર હશે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ વિષયોના શૈષણિક ભવનો, 400 જેટલા સ્ટાફ અને 12000 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેવા એસી અને નોનએસી રહેઠાણની સુવિધા, વિશાળ ઓડિટોરિયમ, કોન્સફરન્સ હોય અને એમ્ફિતથિયેટરની સુવિધા ઉપલબ્ધ થનાર છે. ઉપરાંત વિધાર્થીઓમાં સંશોધનની રુચિ વધે તે માટે વિદ્યાર્થીઓમાં ઉધોગસાહસિકતાના ગુણો વિકસાવવાના હેતુસર આંતરપ્રેન્યોરશીપ, કેરિયર ડેવલોપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસને ઘ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવામાં આવશે. આ યુનિવર્સિટીના પ્રથમ તબકકાનું કાર્ય મે-2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને જૂનાગઢ શહેર ખાતે ઉચ્ચ શિક્ષણના એક નવા યુગની શરૂઆત થશે.